Western Times News

Gujarati News

વિસનગર તાલુકાના રાલીસણા ગામે શૌચક્રિયા બાબતે થયેલી તકરારમાં યુવકની હત્યા કરાઈ

મૃતકના નાના ભાઈ સામે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

મહેસાણા,વિસનગર તાલુકાના રાલીસણા ગામે સોમવારે મોડી રાત્રે ઘર આંગણે ખેતરમાં શૌચક્રિયા કરવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાએ ગણતરીની મિનિટોમાં લોહિયાળ ખેલનું સ્વરૂપ લઈ લીધું હતું. જેમાં એક યુવકના માથામાં ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી.રાલીસણા ગામમાં રહેતા ટીનાજી બાલાજી ઠાકોરનાં માતા રમીલાબેન અને પિતા બાલાજી ગામના જોડિયાપરામાં ખેતરમાં રહે છે. સોમવારે રાત્રે જોડિયાપરામાં રહેતો ફુલાજી ઉદાજી ઠાકોર બાલાજીના ઘર આગળ ખેતરમાં શૌચક્રિયા કરવા બેઠો હતો.

જેથી રમીલાબેને ત્યાં શૌચક્રિયા કરવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયેલા ફુલાજીએ રમીલાબેન અને બાલાજી સાથે ઝઘડો કર્યાે હતો. જે અંગેની જાણ ટીનાજીને થતાં તેઓ ગામમાં જ રહેતા મોટા ભાઈ નાગજીજી સાથે બાઈક લઈને જોડિયાપરામાં ગયા હતા, જ્યાં રસ્તામાં ફુલાજીનું ઘર આવતાં ત્યાં તેમણે બાઈક પરથી ઉતરીને ફુલાજીને મારા પિતાજી સાથે કેમ ઝઘડો કરો છો? તેવું પૂછ્યું હતું. જેથી ફુલાજી ઉદાજી તથા ઉદાજી કાનાજી ઠાકોર ઉશ્કેરાઈ ગયા હતા અને નાગજીજીના માથામાં લોખંડના ધારિયાના ઘા ઝીંકી દીધા હતા.

ટીનાજી મોટા ભાઈ નાગજીજીને બચાવવા જતાં ત્યાં હાજર વિપુલજી ઉદાજી ઠાકોર લાકડાના ધોકાથી તેમને મારવા લાગ્યો હતો. માથામાં ગંભીર ઈજાઓ થવાના કારણે નાગજીજી લોહીલુહાણ હાલતમાં બેભાન થઈને નીચે પડી ગયા હતા અને ફુલાજી સહિત ત્રણેય જણા ત્યાંથી નાસી ગયા હતા. અન્ય પરિવારજનો પણ ત્યાં દોડી આવ્યાં હતાં અને ગંભીર રીતે ઘવાયેલા નાગજીજીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાને પગલે પરિવારજનોના આક્રંદ વચ્ચે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકના નાના ભાઈ ટીનાજી બાલાજી ઠાકોરે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ ફુલાજી ઉદાજી ઠાકોર, ઉદાજી કાનાજી ઠાકોર અને વિપુલજી ઉદાજી ઠાકોર (ત્રણેય રહે. જોડિયાપુરૂ, રાલીસણા, તા.વિસનગર) સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.