પાલનપુરમાં ખેડૂતને સોનાનો ખોટો હાર પધરાવી ઠગાઈ કરનાર બે ઝડપાયા
પોલીસે બંને ઠગોને ઝડપી રૂ. ૨.૨૦ લાખ રિકવરી કરવા કવાયત હાથધરી
આરોપીઓએ આ રીતના અન્ય ગુના કરેલ છે કે કેમ અને આ ગુનામાં અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી
પાલનપુર,પાલનપુરમાં ખેડૂતને બે ઠગોએ પહેલા સોનાના ઢોળવાળા બે મણકા આપી વિશ્વાસમાં લઈ ખોટો સોનાનો હાર પધરાવી રૂ. ૨.૨૦ લાખની ઠગાઈ કરી હતી. આ બાબતે ખેડૂતે ફરિયાદ નોંધાવતા પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના સ્ટાફે બંને ઠગોને પાલનપુરથી ઝડપી લઇ રૂ. ૨.૨૦ લાખ રિકવર કરી કાર્યવાહી હાથ ધરી હતી.વડગામ તાલુકાના પેપોળ ગામના મફાજી ભીખાજી રાજપૂત પાલનપુર ઓમ ICU ખાતે સારવાર માટે આવ્યા હતા.
તે સમયે બે અજાણ્યા વ્યકિતઓએ તેમને ખોદકામ કરતી વખતે સોનું મળેલું છે. જેનું બિલ તેમની જોડે ના હોઈ તે વેચી શકતા નથી. એમ કહી ફરિયાદીનો વિશ્વાસ જીતી ત્યારબાદ બીજા દિવસે સોનાનો ઢોળ ચડાવેલા બે અસલી સોનાના મણકા આપેલા જેથી મફાજી વિશ્વાસમાં આવી તેઓની પાસે બચતના રૂ. ૨.૨૦ લાખ રોકડા આપી બદલામાં તેઓને અજાણ્યા વ્યકિતઓએ એક સોનેરી કલરનો મણકાનો હાર આપેલો. જે મફાજીએ સોનીની દુકાને જઈ ચેક કરાવતા જે પિત્તળની ધાતુ નીકળતા તેઓની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતાં તેઓએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનાની ગંભીરતા સમજી પોલીસે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવી ગુના સ્થળની વિઝીટ કરી આજુબાજુના સ્થળોના સીસીટીવી ચેક કરી આરોપીની ભાષા તેમજ ગુનો કરવાની મોડસ ઓપરેન્ડીના આધારે ગુનામાં સામેલ અજાણ્યા વ્યકિતઓની ઓળખ પ્રસ્થાપિત કરી બંને ઠગ લાલાભાઈ રામાભાઇ સલાટ અને રતનભાઇ તુલસીભાઇ સલાટ (બંને રહે. ખોડિયાર નગર, પાલનપુર)ને પાલનપુર ખાતેથી પકડી પાડ્યા હતા. ગુના સંબંધે પૂછપરછ કરતા તેઓએ આ ઠગાઈનો ગુનો આચરેલ હોવાની કબુલાત કરી હતી. આથી તેઓની અટકાયત કરી રૂ. ૨.૨૦ લાખ તેઓની પાસેથી રિકવર કર્યા હતા. તેમજ આ આરોપીઓએ આ રીતના અન્ય ગુના કરેલ છે કે કેમ અને આ ગુનામાં અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી.SS1
