Western Times News

Gujarati News

ED દ્વારા જપ્ત રૂ. 11.10 કરોડની રકમ છોડાવવાના બહાને રૂ. 3.18 કરોડની ઠગાઈ

Files Photo

૪૦ ટકા કમિશનના નામે ટોકન પેટે ૩.૧૮ કરોડ પડાવ્યા

સારી ઓળખાણ હોવાનો દાવો કરી કેસ પૂરો કરાવી રૂપિયા છોડાવી આપવાની ખાતરી આપી

આરોપીઓએ રૂપિયા પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો ઈડી દ્વારા જપ્ત ૧૧.૧૦ કરોડ છોડાવવાના બહાને ૩.૧૮ કરોડની છેતરપિંડી

અમદાવાદ,સામાન્ય રીતે ED કે DRI જેવી એજન્સીઓ દ્વારા કરવામાં આવતી તપાસમાં કોઈ વચેટિયા હોવાનો દાવો કરવામાં આવતો નથી ત્યારે શહેરની જાણીતી આંગડિયા પેઢી પર દરોડા પાડી ED દ્વારા જપ્ત કરવામાં આવેલી રૂ. ૧૧.૧૦ કરોડની રોકડ છોડાવી આપવાના બહાને રૂ. ૩.૧૮ કરોડની ઠગાઈ થયાનો ચોંકાવનારો બનાવ નોંધાયો છે. આ મામલે આંગડિયા પેઢીના માલિકે વકીલ સહિત પાંચ વ્યક્તિઓ સામે ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પોતાની ખૂબ સારી ઓળખાણ હોવાનો દાવો કરી કેસ પૂરો કરાવી રૂપિયા છોડાવી આપવાની ખાતરી આપી આરોપીઓએ રૂપિયા પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.પોલીસ ફરિયાદ મુજબ, શાહીબાગમાં રહેતા સાંકળચંદ પટેલ ‘વિષ્ણુ કાંતિ’ નામની આંગડિયા પેઢી ચલાવે છે. ડિસેમ્બર-૨૦૨૪માં રૂપિયાની હેરાફેરીના મુદ્દે તેમની પેઢી પર EDએ દરોડો પાડી રૂ. ૧૧.૧૦ કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી. આ પ્રકરણની તપાસ હાલ પણ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે.

તે દરમિયાન વિજય પટેલ નામના વ્યક્તિએ આંગડિયા પેઢીના માલિકને પોતાની EDમાં ઊંચી ઓળખાણ હોવાનું જણાવી ત્રણથી ચાર મહિનામાં જપ્ત કરેલી રકમ છોડાવી આપવાની ખાતરી આપી હતી.વિજય પટેલ સાંકળચંદ પટેલને હાઈકોર્ટ સામે આવેલી વકીલ સુધાંશુ ઝાની ઓફિસે લઈ ગયો હતો. ત્યાં EDનો કેસ પૂર્ણ કરી જપ્ત રકમ છોડાવવા માટે કુલ રકમના ૪૦ ટકા જેટલો ખર્ચ થશે તેમ જણાવાયું હતું. આ વાતમાં વિશ્વાસ રાખીને સાંકળચંદ પટેલે અલગ-અલગ હપ્તામાં કુલ રૂ. ૩.૧૮ કરોડ ટોકન અને કમિશન પેટે ચૂકવ્યા હતા.

ત્યારબાદ વિજય પટેલે ED સમક્ષ જપ્ત કરેલી રકમ પોતાના નામે હોવાનું દર્શાવતો કરાર કરવાની વાત કરી હતી. તેના કહેવા મુજબ દર્શન વેદના નામે કરાર પણ કરવામાં આવ્યો હતો. જોકે કરાર અને કમિશનની રકમ ચૂકવ્યા છતાં લાંબા સમય સુધી જપ્ત કરેલી રકમ છોડાવવામાં આવી નહોતી. ત્યારબાદ સાંકળચંદ પટેલે પોતાના ચૂકવેલા રૂપિયા પરત માંગ્યા હતા, પરંતુ આરોપીઓએ રૂપિયા પરત આપ્યા નહોતા. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા સાંકળચંદ પટેલે વિજય પટેલ, દર્શન વેદ, વકીલ સુધાંશુ ઝા, પ્રવીણ ભાનુશાલી અને વિરાટ સિંહ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.