કારમી મોંઘવારીમાં દેશના નાગરિકોને મળશે રાહત: સસ્તો થયો LPG સિલિન્ડર
પ્રતિકાત્મક
નવી દિલ્હી, જુલાઈ મહિનાની શરૂઆત સામાન્ય જનતા માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ કિંમતોમાં ઘટાડો ૧૯ કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે, જ્યારે ઘરની રસોઈમાં વપરાતા ૧૪ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.
દિલ્હીથી લઈને મુંબઈ સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી ૩,૧૧૩.૫૦ રૂપિયામાં મળતો કોમર્શિયલ સિલિન્ડર હવે ૧૮૩ રૂપિયા સસ્તો થઈને ૨,૯૩૦ રૂપિયામાં મળશે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી તણાવભરી સ્થિતિને કારણે છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો.
વર્ષ ૨૦૨૬માં આ પહેલીવાર બન્યું છે જ્યારે તેલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા હોય. જાન્યુઆરી ૨૦૨૬ઃ કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૧,૬૯૧ રૂપિયા હતી. મે ૨૦૨૬ઃ ભાવમાં ભારે વધારા સાથે કિંમત પહેલીવાર ૩,૦૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ. જૂન ૨૦૨૬ઃ જૂનની શરૂઆતમાં ફરી ૪૨ રૂપિયાનો વધારો થતાં દિલ્હીમાં ભાવ ૩,૧૧૩.૫૦ રૂપિયા સુધી પહોંચી ગયો હતો.
નાયરા એનર્જી કંપનીએ પેટ્રોલમાં લિટરે રૂ.૫ અને ડીઝલમાં રૂ.૩નો ઘટાડો કર્યો
નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઘટવાનો ફાયદો હવે ભારતીય ગ્રાહકોને મળવા લાગ્યો છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી ઈંધણ કંપની નાયરા એનર્જી એ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
કંપનીએ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર રૂ.૫ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર રૂ.૩ નો ઘટાડો કર્યો છે. આ નવી કિંમતો ૧ જુલાઈ ૨૦૨૬થી તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયગાળામાં ઈંધણના ભાવમાં આ સૌથી મોટો ઘટાડો છે. કંપનીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ ઓછો થયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો નીચે આવી છે.
મુખ્ય દરિયાઈ વેપાર માર્ગો ફરી ખુલવાના કારણે ક્રૂડ ઓઈલ અને એલએનજીનો વૈશ્વિક પુરવઠો સામાન્ય બન્યો છે, જેના લીધે તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. નાયરા એનર્જીએ આ ભાવઘટાડો દેશભરમાં આવેલા તેના ૭૦૦૦ થી વધુ પેટ્રોલ પંપ પર લાગુ કરી દીધો છે. જોકે, અલગ-અલગ રાજ્યોમાં વેટ અને અન્ય સ્થાનિક ટેક્સના કારણે ગ્રાહકો માટે અંતિમ છૂટક કિંમતોમાં થોડો તફાવત હોઈ શકે છે.
નાયરા એનર્જી ગુજરાતના વાડિનારમાં વાર્ષિક ૨ કરોડ ટનની ક્ષમતા ધરાવતી મોટી રિફાઇનરી ચલાવે છે. મેન્ટેનન્સનું કામ પૂરું થયા બાદ આ રિફાઇનરી હાલ પૂરી ક્ષમતા સાથે ઈંધણનો પુરવઠો પૂરો પાડવા સજ્જ છે. દેશના ૯૦ ટકાથી વધુ પેટ્રોલ પંપનું સંચાલન કરતી સરકારી તેલ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમએ હજુ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
હાલમાં દિલ્હીમાં ઈન્ડિયન ઓઈલના પંપ પર પેટ્રોલ ?૧૦૨.૧૨ પ્રતિ લીટર અને ડીઝલ ?૯૫.૨૦ પ્રતિ લીટરના જૂના ભાવે જ મળી રહ્યું છે. માર્ચ મહિનામાં ઈરાન સંકટ વખતે નાયરા એનર્જીએ પેટ્રોલ ?૫ અને ડીઝલ ?૩ મોંઘું કર્યું હતું, જે વધારો હવે કંપનીએ પૂરેપૂરો પાછો ખેંચી લીધો છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આ જ સ્તરે સ્થિર રહેશે, તો આગામી દિવસોમાં સરકારી તેલ કંપનીઓ પણ ભાવ ઘટાડવા પર વિચાર કરી શકે છે.
