Western Times News

Gujarati News

સ્કૂટર પર ટ્યુશને જતા સગીરને મ્યુનિ.ના ડમ્પરે અડફેટે લેતા મોત

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં અકસ્માતની હારમાળા વચ્ચે હાલ અમદાવાદ શહેરમાં કંપારી છૂટાવતા અકસ્માતની ઘટના સામે આવી રહી છે. તાજેતરમાં બેફામ દોડતા ભારે વાહનો માસૂમ નાગરિકો માટે ફરી એકવાર કાળ સાબિત થયા છે.

આ બનાવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ડમ્પર જ યમરાજ બન્યું હોવાની વિગતો સામે આવી રહી છે. જેણે ટ્યુશને જઈ રહેલા એક સગીર વયના બાળકનો માસૂમ જીવ છીનવી લીધો છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ઘટનાની વિગતો મુજબ, આ ગમખ્વાર અકસ્માત આજે ૧લી જુલાઈને બુધવારે સવારના સમયે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ પીરાણા દેવ હોટલ પાસે સર્જાયો હતો. એક સગીર વયનો છોકરો પોતાનું ઇલેક્ટિÙક વ્હીકલ લઈને હંમેશની જેમ ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલા એએમસીના પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે આ ઈવી ચાલક સગીરને જોરદાર અડફેટે લીધો હતો. ડમ્પરની ટક્કર એટલી ભયાનક હતી કે સગીર રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં સગીરને તાબડતોબ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ટ્યુશને ગયેલા વ્હાલસોયા દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું અને તેમના કરુણ આક્રંદથી હોસ્પિટલ પરિસર ધ્રુજી ઊઠ્યું હતું.

આ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક સગીરના અકસ્માત મામલે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં અવારનવાર એએમસીના કોન્ટ્રાક્ટ પર ચાલતા ડમ્પરો દ્વારા સર્જાતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે તંત્ર ક્્યારે કડક પગલાં લેશે, તેવા સવાલો હવે જનતા ઉઠાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.