Western Times News

Gujarati News

છોટા ઉદેપુરમાં ખેતરો જળબંબાકાર -લુણાદરા ગામ સંપર્ક વિહોણું બન્યું

(એજન્સી)ગાંધીનગર, છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ તંત્ર અને કોન્ટ્રાક્ટરોની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. નસવાડીથી બોડેલી વચ્ચે રૂ. ૧,૩૦૦ કરોડના અધધ ખર્ચે બની રહેલા નેશનલ હાઈવે ૫૬ની નબળી કામગીરી પ્રથમ વરસાદમાં જ છતી થઈ ગઈ છે.

હાઈવે પહોળો કરવા માટે કરાયેલા માટી પુરાણ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે મુખ્ય માર્ગો અને ખેતરોમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સૌથી વધુ વાપીમાં પ ઈંચ જેટલો વરસાદ પડતા ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

બોડેલી તાલુકાના લુણાદરા ગામે જવા માટેનો એકમાત્ર મુખ્ય રસ્તો વહેલી સવારથી જ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નેશનલ હાઈવેની કામગીરી દરમિયાન પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ ગામમાં આશરે ૧,૨૦૦ જેટલા લોકોની વસ્તી છે. પ્રથમ વરસાદમાં જ જો રસ્તો બંધ થઈ ગયો હોય, તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી આવે તો ગ્રામજનોનું શું? તેવો મોટો સવાલ ઉભો થયો છે. જો હજુ વધુ વરસાદ પડશે તો ગામની સ્થિતિ અત્યંત દયનીય બને તેવી ભીતિ સેવાઈ રહી છે.

બીજી તરફ, નસવાડી અને કોસીંદ્રા વચ્ચે બનેલા નેશનલ હાઈવેની આજુબાજુના વિસ્તારોમાં પણ સ્થિતિ ગંભીર છે. હાઈવેની સાઈડમાં યોગ્ય ગટર કે ગરનાળા ન બનાવવાને કારણે વરસાદી પાણી રોડ પરથી સીધા ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયા છે. પ્રથમ વરસાદમાં જ હજારો વીઘા ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. છતાં જવાબદાર એન્જિનિયરો કે અધિકારીઓએ ઘટનાસ્થળે ડોકિયું કરવાની પણ તસદી લીધી નથી.

સૌથી મોટી આફત એ ખેડૂતો પર આવી છે જેમણે તાજેતરમાં જ મોંઘા બિયારણ લાવીને વાવણી કરી હતી. પાણીના તેજ પ્રવાહમાં ખેડૂતોએ વાવેલું બિયારણ ધોવાઈ ગયું છે, જેથી જગતના તાતને પડતા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવેની સાઈડમાં આવેલા ખેતરોમાં પ્રથમ વરસાદે જ મોટું નુકસાન થયું છે. લુણાદરા ગામનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે, અને ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે.

તંત્રની આ ઘોર બેદરકારી અને આયોજન વગરની કામગીરીને કારણે રોષે ભરાયેલા સ્થાનિકો અને ખેડૂતો અત્યારે વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉગ્ર માગ કરી રહ્યા છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે.

રાજ્યમાં બુધવારે (૧ જુલાઈ) સવારે ૬ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધીમાં ૫૯ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં ૫ ઇંચ જેટલો વરસાદ થયો છે. આ દરમિયાન છોટા ઉદેપુરના ૭ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં કવાંટ તાલુકાના પાનવડમાં નદીમાં પૂરથી ડાયવર્ઝન ધોવાતા વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે.

જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા, છોટાઉદેપુર, પાવીજેતપુર, કવાંટ અને કદવાલ સહિતના તમામ સાતેય તાલુકાઓમાં મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે. લાંબા સમય બાદ સારો વરસાદ વરસતા જગતનો તાતમાં આનંદ છાવ્યો છે. વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે, જેનાથી આગામી દિવસોમાં વાવણીની કામગીરીને મોટો વેગ મળશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.