મહારાષ્ટ્રમાં મુશળધાર આફતઃ મુંબઈ-થાણે સહિતના વિસ્તારો જળબંબાકાર
વસઈમાં ૨ કાર તણાઈ, ૫ દિવસ હાઇ ઍલર્ટ
નવી મુંબઈના પનવેલમાં એક બિલ્ડિંગના ફ્લેટમાં બેડરૂમનો સ્લેબ તૂટી પડતાં ૪૫ વર્ષના પિતાનું મોત થયું છે, જ્યારે તેમની ૧૨ વર્ષની દીકરી ગંભીર રીતે ઘાયલ થઈ છે
મુંબઈ, મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે મુંબઈ, ઠાણે, ભિવંડી અને વસઈ-વિરાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને લીધે વાહનવ્યવહાર ખોરવાયો છે અને અનેક જગ્યાએ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં આગામી ૫ દિવસ માટે ભારે વરસાદનું હાઇ ઍલર્ટ જાહેર કર્યું છે.ભિવંડીમાં રસ્તાના અધૂરા કામ અને ખાડાઓમાં પાણી ભરાવાને કારણે મુંબઈ-નાસિક હાઇવે પર ૭થી ૮ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. ટ્રક, બસ અને પ્રાઇવેટ વાહનો ૨થી ૩ કલાક સુધી જામમાં ફસાયેલા રહ્યા હતા.
બીજી તરફ વરસાદ વચ્ચે ગુરુવારે બપોરે ૧ઃ૫૪ વાગ્યે હાઇ ટાઇડ આવવાની હોવાથી મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકા વધી ગઈ છે.વસઈના વાઘરાલ પાડા વિસ્તારમાં પહાડી વિસ્તારમાંથી આવેલા પાણીના જોરદાર પ્રવાહમાં ૨ કાર તણાઈ ગઈ હતી, જેમાં ચાલકે કૂદીને જીવ બચાવ્યો હતો. નવી મુંબઈના પનવેલમાં એક બિલ્ડિંગના ફ્લેટમાં બેડરૂમનો સ્લેબ તૂટી પડતાં ૪૫ વર્ષના પિતાનું મોત થયું છે, જ્યારે તેમની ૧૨ વર્ષની દીકરી ગંભીર રીતે ઘાયલ થઈ છે.જોગેશ્વરી પશ્ચિમમાં એક મોટું ઝાડ રોડ પર પડતાં એક ટેમ્પો અને વીજળીનું મીટર બોક્સ તૂટી ગયું હતું.
આ સિવાય ભિવંડીના ટેંભવલી-ખારબાવ રોડ પર શોર્ટ સર્કિટના કારણે હાઇ વોલ્ટેજ વીજ લાઇનનો તાર તૂટીને પાણી ભરેલા રોડ પર પડ્યો હતો, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે ઉલ્હાનગરની જીજામાતા કોલોનીમાં ઘરોમાં કમર સુધીના પાણી ભરાઈ જતાં ભારે નુકસાન થયું છે.હવામાન વિભાગે મુંબઈ, ઠાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પ્રશાસને લોકોને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પરિસ્થિતિને જોતાં બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયા હોય તેવા વિસ્તારોથી દૂર રહેવા અને વીજળીના થાંભલાઓથી સાવધ રહેવા અપીલ કરી છે.SS1
