Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લાને કુલ 113 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓની ફાળવણી કરવામાં આવી

(પ્રતિનિધિ) ગોધરા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગમાં પસંદગી પામેલા મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાને પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પંચમહાલ જિલ્લામાં નિમણૂક પામેલા તમામ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને અધિક નિવાસી કલેક્ટર જે.જે પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નિવાસી કલેક્ટરએ તમામ ઉમેદવારોને ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને સંબોધતાં નિવાસી અધિક કલેક્ટર જે જે પટેલએ જણાવ્યું કે, તંત્રમાં મહેસૂલી તલાટીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યાં પણ નિમણૂક થાય ત્યાં સંપૂર્ણ નિષ્ઠા, સેવાભાવ અને જવાબદારીપૂર્વક ફરજ બજાવવી જરૂરી છે.

તેમણે વધુમાં કહ્યુ કે, ફરજ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ અનુભવાય તો વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો રૂબરૂ સંપર્ક કરીને યોગ્ય માર્ગદર્શન મેળવી શકાય છે. તમામ નવનિયુક્ત કર્મયોગીઓને ટીમ વર્કની ભાવના સાથે કાર્ય કરીને પંચમહાલ જિલ્લાના સર્વાંગી વિકાસમાં સક્રિય સહભાગી બનવા તેમણે અનુરોધ કર્યો હતો.

નોંધનીય છે કે, ગુજરાત સરકારના વ્યાપક ભરતી અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાને કુલ ૧૧૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓની ફાળવણી કરવામાં આવી છે. આ ભરતીથી જિલ્લાના મહેસૂલી વહીવટને વધુ વેગ મળશે તેમજ ગ્રામ્ય સ્તરે જનકલ્યાણલક્ષી સેવાઓ વધુ અસરકારક અને સુદ્રઢ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.