રણવીર સિંહની ‘પ્રલય’નું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થશે
ફિલ્મની પ્રી-પ્રોડક્શન પ્રક્રિયા હાલ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહી છે
‘પ્રલય’ની વાર્તા વિનાશગ્રસ્ત મુંબઈમાં ફેલાયેલા ઝોમ્બી સંકટની વચ્ચે જીવ બચાવવા માટે સંઘર્ષ કરતા એક પરિણીત દંપતીની આસપાસ ફરે છે
મુંબઈ,રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’ અંગે તાજેતરના અહેવાલો મુજબ ફિલ્મનું શૂટિંગ હવે ઓગસ્ટને બદલે સપ્ટેમ્બર ૨૦૨૬થી શરૂ થશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થવાનું છે, જ્યાં હાલમાં પ્રી-પ્રોડક્શનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.જય મહેતાના નિર્દેશનમાં બની રહેલી ‘પ્રલય’ રણવીર સિંહના કારકિર્દીની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે. ફિલ્મમાં દર્શકોને પોસ્ટ-એપોકેલિપ્ટિક ઝોમ્બી થ્રિલરની અનોખી દુનિયા જોવા મળશે, જે વિનાશગ્રસ્ત મુંબઈનાં બેકગ્રાઉન્ડ પર આધારિત હશે.
અહેવાલો અનુસાર, રણવીર સિંહે આ પડકારજનક પાત્ર માટે અત્યારથી જ ખાસ તૈયારી શરૂ કરી દીધી છે. ફિલ્મમાં એક્શન અને ભાવનાત્મક દ્રશ્યોનું મહત્વ હોવાથી તે કઠોર ફિઝીકલ ટ્રેનિંગ અને એક્ટિંગની પણ ખાસ તૈયારી કરી રહ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬ના બીજા ભાગમાં શરૂ થશે અને તેની તૈયારી માટે રણવીર છેલ્લા કેટલાક સમયથી ટીમ સાથે સતત સંકળાયેલા છે. ફિલ્મનું વિશાળ કેનવાસ અને અલગ પ્રકારની વાર્તાને ધ્યાનમાં રાખીને તેઓ દરેક પાસા પર મહેનત કરી રહ્યા છે.ફિલ્મની પ્રી-પ્રોડક્શન પ્રક્રિયા હાલ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહી છે.
નિર્દેશક જય મહેતા પોતાની ટીમ સાથે એવા ટેન્કિશિયનોની મદદ લઈ રહ્યા છે, જેમણે અગાઉ અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં કામ કર્યું છે. ખાસ કરીને ફિલ્મના ભવ્ય પોસ્ટ-એપોકેલિપ્ટિક વિશ્વ અને ઝોમ્બી સિક્વન્સને જીવંત બનાવવા માટે અદ્યતન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે.સાથે જ લેખકોની ટીમ ફિલ્મની કથામાં પણ સતત સુધારા કરી રહી છે અને ઝોમ્બી વિશ્વને વધુ વિશ્વસનીય તથા રોમાંચક બનાવવા પર કામ કરી રહી છે.
અહેવાલો મુજબ, ‘પ્રલય’ની વાર્તા વિનાશગ્રસ્ત મુંબઈમાં ફેલાયેલા ઝોમ્બી સંકટની વચ્ચે જીવ બચાવવા માટે સંઘર્ષ કરતા એક પરિણીત દંપતીની આસપાસ ફરે છે. ભારતીય સિનેમામાં ઝોમ્બી શૈલીને નવા અંદાજમાં રજૂ કરવાનો પ્રયાસ આ ફિલ્મમાં કરવામાં આવશે, જેમાં હાઈ-ઓક્ટેન એક્શન સાથે લાગણીસભર કથાને પણ સમાન મહત્વ આપવામાં આવશે.
જોકે, ફિલ્મમાં રણવીર સિંહની સામે કઈ અભિનેત્રી જોવા મળશે તે અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે નિર્દેશક પ્રિયદર્શનની પુત્રી કલ્યાણી પ્રિયદર્શન આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરી શકે છે. જોકે નિર્માતાઓએ હજુ સુધી આ કાસ્ટિંગની પુષ્ટિ કરી નથી.SS1
