અભિનેતા રાજકુમાર રાવ બન્યો બોલિવૂડનો બાયોપિક સ્પેશિયાલિસ્ટ
રાજકુમાર રાવની બાયોપિક સફરની શરૂઆત ‘શાહિદ’ ફિલ્મથી થઈ હતી
આગામી ફિલ્મો ‘દાદા’ અને ‘પ્રહાર’ સાથે તે બોલિવૂડનો એવો પહેલો એક્ટર બનવા જઈ રહ્યો છે, જેણે પડદા પર સાત વાસ્તવિક વ્યક્તિત્વોને જીવંત કર્યા છે
મુંબઈ,બોલિવૂડમાં પોતાની વર્સેટાઇલ એક્ટિંગ માટે જાણીતા રાજકુમાર રાવે હવે વધુ એક અનોખી સિદ્ધિ પોતાના નામે કરી છે. આગામી ફિલ્મો ‘દાદા’ અને ‘પ્રહાર’ સાથે તે બોલિવૂડનો એવો પહેલો એક્ટર બનવા જઈ રહ્યો છે, જેણે પડદા પર સાત વાસ્તવિક વ્યક્તિત્વોને જીવંત કર્યા છે. ‘દાદા’માં તે ભારતીય ક્રિકેટના દિગ્ગજ સૌરવ ગાંગુલીની ભૂમિકા ભજવશે, જ્યારે ‘પ્રહાર’માં જાણીતા સરકારી વકીલ ઉજ્જ્વલ નિકમનું પાત્ર નિભાવી રહ્યો છે.
ખાસ વાત એ છે કે રાજકુમાર રાવે બાયોપિક ફિલ્મો કરવાની કોઈ પૂર્વયોજના બનાવી નહોતી. સમય જતાં તેની ફિલ્મોની પસંદગી એવી બની ગઈ કે તે સતત પ્રેરણાદાયી અને ઐતિહાસિક વ્યક્તિત્વોની જીવનકથાઓ સાથે જોડાતો ગયો. વિવિધ ક્ષેત્રના અસાધારણ લોકોને પડદા પર સાકાર કરવાની તેની ક્ષમતાએ તેને હિન્દી ફિલ્મ ઇડસ્ટ્રીના સૌથી વિશ્વસનીય અભિનેતાઓમાં સ્થાન અપાવ્યું છે.રાજકુમાર રાવની બાયોપિક સફરની શરૂઆત ‘શાહિદ’ ફિલ્મથી થઈ હતી, જેમાં તેમણે માનવાધિકાર કાર્યકર અને વકીલ શાહિદ આઝમીનું પાત્ર ભજવ્યું હતું.
આ ફિલ્મમાં તેના અભિનયને વિવેચકો તેમજ દર્શકો દ્વારા ભારે પ્રશંસા મળી હતી અને તેને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. ત્યારબાદ તેણે વેબ સિરીઝ ‘બોઝઃ ડેડ/અલાઇવ’માં સ્વાતંર્ત્ય સેનાની સુભાષચંદ્ર બોઝની ભૂમિકા ભજવી હતી. ત્યારપછી ‘ઓમેર્તા’માં આતંકવાદી અહમદ ઓમર સઈદ શેખનું જટિલ પાત્ર ભજવી તેણે પોતાની અભિનય ક્ષમતાનો વધુ એક પરિચય આપ્યો હતો.આ પછી રાજકુમાર રાવે ‘શ્રીકાંત’ ફિલ્મમાં દ્રષ્ટિહીન ઉદ્યોગસાહસિક શ્રીકાંત બોલ્લાની પ્રેરણાદાયી જીવનકથા રજૂ કરી હતી. હવે ‘દાદા’ અને ‘પ્રહાર’ સાથે તે પોતાની બાયોપિક ફિલ્મોની યાદીમાં વધુ બે મહત્ત્વપૂર્ણ નામ ઉમેરશે.
ઉપરાંત, તે ‘રફ્તાર’ નામની ફિલ્મમાં પણ જોવા મળશે, જે એડટેક કંપની બાયજુસના ઉદય અને પતનની ઘટનાથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે. જોકે તેને સત્તાવાર રીતે બાયોપિક તરીકે રજૂ કરવામાં આવી નથી.આજના સમયમાં ઘણા કલાકારો એક ચોક્કસ પ્રકારની ભૂમિકાઓ માટે જાણીતા બની જાય છે, ત્યારે રાજકુમાર રાવે દરેક ફિલ્મમાં પોતાને સંપૂર્ણપણે બદલવાની કલાથી અલગ ઓળખ ઉભી કરી છે.
વકીલ, સ્વાતંર્ત્ય સેનાની, ઉદ્યોગસાહસિક, ક્રિકેટર કે જાહેર જીવનના અન્ય મહત્ત્વના વ્યક્તિત્વો – દરેક પાત્રમાં તેણે નવું ઊંડાણ અને વિશ્વસનીયતા ઉમેરવાનો પ્રયાસ કર્યાે છે. સાત વાસ્તવિક વ્યક્તિત્વોને પડદા પર જીવંત કરવાની આ અનોખી સિદ્ધિ સાથે રાજકુમાર રાવે બોલિવૂડનાં ‘બાયોપિક સ્પેશિયાલિસ્ટ’ તરીકે પોતાની ઓળખ વધુ મજબુત બનાવી છે. SS1
