Western Times News

Gujarati News

અરજદારે માંગેલી માહિતી તલાટીએ સમયસર ન આપીઃ ભૂલ ભારે પડી-દંડનીય કાર્યવાહી

ઝઘડિયાના નાનાસાંજા ગામે અરજદારે માંગેલ માહિતી નિયત સમયમાં ન આપનાર તલાટી સામે દંડનીય કાર્યવાહીથી ચકચાર

નાનાસાંજા ગામે ગ્રામ પંચાયત સભ્ય દ્વારા ગામની ખળીની જમીનમાં નવા બંધાનાર મંદિરની જગ્યા બાબતે તલાટી પાસે માહિતી માંગવામાં આવી હતી

ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામે ગામની ખળીની જગ્યામાં નવા મંદિરના બાંધકામ માટેની જગ્યાની ફાળવણી બાબતે ગ્રામ પંચાયત સભ્ય દ્વારા તલાટી પાસે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી હતી,જાહેર માહિતી અધિકારી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા અરજદારને નિયત સમય કરતા મોડી માહિતી આપવામાં આવતા ગુજરાત માહિતી આયોગ દ્વારા તલાટીને રૂપિયા ૧૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ અંગે મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામે રહેતા ભરતકુમાર હસમુખભાઈ પટેલ જેઓ ગ્રામ પંચાયત સભ્ય છે તેમણે ગત તા.૧૩ મી જાન્યુઆરીના રોજ જાહેર માહિતી અધિકાર નિયમ હેઠળ ગ્રામ પંચાયતના તલાટીને અરજી કરીને ગ્રામ પંચાયતની ખળીની જમીનમાં નવા બનતા મંદિરની જગ્યાની ફાળવણી સંદર્ભે માહિતી માંગી હતી.

અરજદારે માહિતી માંગતી અરજીમાં વર્ષ ૨૦૦૦ ની સાલમાં સદર મંદિરની સ્થિતિ તેમજ જેતે સમય દરમ્યાનની વિગતો આધાર પુરાવા ઉપરાંત વર્તમાન સમય વર્ષ ૨૦૧૩ થી ૨૦૨૪ માં સદર મંદિરની સ્થાન સ્થિતિનો પંચો રૂબરૂ કરેલ અહેવાલની પ્રમાણિત નકલ સહિતની વિગતો માંગી હતી.સામાન્ય રીતે માહિતી અધિકાર હેઠળની અરજી મુજબ માંગવામાં આવેલ માહિતીની વિગતો જેતે અધિકારીએ ૩૦ દિવસમાં આપવાની હોય છે.

પરંતું નાનાસાંજા ગામના અરજદાર ભરતભાઇ પટેલે ગ્રામ પંચાયતના તલાટી પાસે નવા બનતા મંદિરની જગ્યાની ફાળવણી સંબંધિત વિગતો માંગતી જે અરજી આપેલ હતી તેની વિગતો જાહેર માહિતી અધિકારી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા નિયત ૩૦ દિવસના સમય દરમ્યાન આપેલ નહતી તેથી નારાજ થઈને અરજદાર દ્વારા ગત તા.૧૨-૫-૨૦૨૬ ના રોજ ગુજરાત માહિતી આયોગમાં અપીલ કરવામાં આવી હતી.

જેમાં જાહેર માહિતી અધિકારી દ્વારા ૩૦ દિવસમાં માહિતી પુરી પાડેલ નથી તેમજ અધુરી અને ખોટી માહિતી આપવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું.આ બાબતે ગુજરાત માહિતી આયોગ દ્વારા બીજી અપીલના પક્ષકારોને તા.૧-૭-૨૦૨૬ ના રોજ કલેક્ટર કચેરી ભરૂચ ખાતે સુનાવણી માટે હાજર રહેવા જણાવાયું હતું.આ અપીલની સુનાવણી મુજબ, ગ્રામ પંચાયતના તલાટી જાહેર માહિતી અધિકારીએ અરજી મળ્યાની તારીખથી પાંચ માસ જેટલો સમય વિતવા છતા અરજદાર ભરતભાઈ પટેલને માહિતી આપવામાં આવી નહતી

અને તે માટે જાહેર માહિતી અધિકારીની સ્પષ્ટતા ગ્રાહ્ય ન હોવાનું જણાવી ગુજરાત માહિતી આયોગ દ્વારા નાનાસાંજા ગામના તલાટી જીગ્નેશભાઈ પટેલને અધિનિયમની કલમ-૨ ૦(૧)ની જોગવાઈ અન્વયે રૂપિયા ૧૦૦૦ (રૂપિયા એક હજાર)નો દંડ ફટકારવામાં આવ્યો હતો.જે હુકમ થયે દિન ૭ માં જમા કરાવવાનો રહેશે અને સમય મર્યાદામાં ભરપાઈ ન કરે તો પગાર/ભથ્થા માંથી કપાત કરીને સરકારી તિજોરીમાં જમા કરાવી

આ અંગેનો રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયાએ આયોગને મોકલવા જાણ કરવામાં આવી છે. નિયત સમયમાં માહિતી અધિકાર હેઠળ અરજદારને માહિતી ન આપનાર નાનાસાંજાના તલાટીને ગુજરાત માહિતી આયોગ દ્વારા રૂપિયા ૧૦૦૦ નો દંડ કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.