ભારે વરસાદથી મુંબઈ થંભી ગયું, કેરળ-ઝારખંડમાં એલર્ટ
દિલ્હીમાં અનેક વિસ્તારો જળબંબાકાર, ૧૫ ફ્લાઈટને અસર દિલ્હી અને મુંબઈમાં લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ
મુંબઈ, દેશની આર્થિક રાજધાની મુંબઈ રવિવારે મુસળધાર વરસાદ અને જોરદાર પવનના કારણે પાણી-પાણી થઈ ગઈ હતી. ભારે વરસાદને પગલે મુંબઈના અનેક પોશ અને રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સામાન્ય જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી.
પરિસ્થિતિની ગંભીરતાને જોતાં બૃહદમુંબઈ મહાનગરપાલિકાએ તાકીદે તકેદારી વધારી દીધી છે. મુંબઈના મેયર ઋતુ તાવડેએ લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી બહુ જરૂરી કામ ન હોય ત્યાં સુધી ઘરોથી બહાર નીકળવાનું ટાળવું અને જરૂર પડ્યે બીએમસીની હેલ્પલાઈન પર સંપર્ક કરવો.
ભારે વરસાદ અને કલાકના ૪૨ નોટ્સની ઝડપે ફૂંકાયેલા તેજ પવનને કારણે રવિવારે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સવારે ૧૦ઃ૧૭ થી ૧૧ઃ૧૭ વાગ્યા સુધી (એક કલાક માટે) રનવે પર વિમાનોની અવરજવર સંપૂર્ણપણે રોકી દેવામાં આવી હતી.
લાઈવ ફ્લાઈટ-ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટ રડાર-૨૪ના આંકડા મુજબ, આ અવરોધને કારણે એરપોર્ટ પર ૮૭ ટકા ફ્લાઈટ્સ મોડી પડી હતી અને ૬૨ ટકા ફ્લાઈટ્સ મોડી પહોંચી હતી. મુસાફરોને પ્રસ્થાનમાં સરેરાશ ૭૫ મિનિટ અને આગમનમાં ૨૮ મિનિટનો વિલંબ વેઠવો પડ્યો હતો, જ્યારે ૩ ટકા ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી.
સમગ્ર મુંબઈમાં ભારે પવનને કારણે વૃક્ષો અને તેની મોટી ડાળીઓ ધરાશાયી થવાની અનેક ઘટનાઓ સામે આવી છે. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સુરક્ષા કાફલાની બરાબર સામે જ એક મોટું વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ સિવાય, મુંબઈના પાડોશી જિલ્લા રાયગઢમાં આવેલા અદોશી ધોધ પાસે પાણીનું સ્તર અચાનક વધી જતાં ફસાયેલા ૧૦ થી ૧૨ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
ભારત હવામાન વિભાગ એ કેરળના ઉત્તરીય જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સુધી અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ત્રિશૂર, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં ૨૪ કલાકમાં ૬૪.૫ મીમીથી ૧૧૫.૫ મીમી સુધી વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત ૬ અને ૭ જુલાઈએ કન્નુર, કાસરગોડ અને કોઝિકોડ જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ (૧૧૫.૬ મીમીથી ૨૦૪.૪ મીમી વરસાદ) આપવામાં આવ્યું છે. કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળએ પૂર અને ભૂસ્ખલન સંભવિત વિસ્તારોના લોકોને એલર્ટ રહીને કંટ્રોલ રૂમ નંબર ૧૦૭૦ અને ૧૦૭૭ પર સંપર્ક કરવા જણાવ્યું છે.
હવામાન વિભાગે ઝારખંડમાં પણ આગામી ચાર દિવસ સુધી ગાજવીજ અને કલાકના ૪૦-૫૦ કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવા થી મધ્યમ વરસાદનું અનુમાન લગાવ્યું છે.
રાજ્યના તમામ ૨૪ જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે ગઢવા, પલામુ, રાંચી સહિતના જિલ્લાઓમાં અને મંગળવારે ગિરીડીહ, ધનબાદ, દેવઘર જેવા ઉત્તર-પૂર્વીય જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વરસાદ ડાંગરની રોપણી કરતા ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઝારખંડમાં અત્યાર સુધીમાં સીઝનના સરેરાશ વરસાદમાં ૪૫ ટકાની ઘટ નોંધાઈ છે, જે આ વરસાદી સ્પેલથી પૂરી થવાની આશા છે.
દિલ્હીમાં ચોમાસાના પહેલા ભારે વરસાદે લોકોને અસહ્ય ગરમીથી રાહત તો આપી, પરંતુ જળબંબાકાર અને ભારે ટ્રાફિક જામના કારણે લોકો પરેશાન થયા હતા. કુલ ૧૫ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી, જેમાં ૫ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ હતી. હવામાન વિભાગે આગામી સમયમાં પણ સતત વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેનાથી પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે. વહીવટીતંત્રે લોકોને જરૂર હોય તો જ, ઘરની બહાર નીકળવા અપીલ કરી છે.
રાજધાની દિલ્હીમાં ચોમાસાના પહેલા વરસાદે લોકોને અસહ્ય ગરમીથી રાહત અપાવી છે, પરંતુ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અને લાંબો ટ્રાફિક જામ થવાથી લોકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે.
સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. દિલ્હીમાં વરસાદની સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે કુલ ૧૫ ફ્લાઇટ્સના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે. જેમાં ૫ આંતરરાષ્ટ્રીય અને ૧૦ સ્થાનિક (ડોમેસ્ટિક) ફ્લાઇટ્સ સામેલ હતી.
વરસાદ દરમિયાન દ્વારકા એક્સપ્રેસવેના અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. તેની અસર સમગ્ર દ્વારકા એક્સપ્રેસવે પર જોવા મળી હતી, જ્યાં કલાકો સુધી વાહનો અટવાયા હતા. આ સિવાય મિન્ટો બ્રિજ, ઓખલા ઇન્ડસ્ટ્રિયલ એરિયા, તુગલકાબાદ, પુલ પ્રહલાદપુર અને બાયો ડાયવર્સિટી પાર્ક સહિતના ઘણા વિસ્તારોમાં પણ, પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.
