પાલીતાણામાં સિંહે માલધારી પર હુમલો કરી અડધો કલાક સુધી પગ પકડી રાખ્યો
(એજન્સી)ભાવનગર, ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામમાં સિંહણના હુમલાની ઘટના સામે આવી છે, જેમાં એક પશુપાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઘટના બાદ પરિવારજનોએ વન વિભાગ પર મોડી કાર્યવાહી અને યોગ્ય જવાબ ન આપવાનો આક્ષેપ કર્યો છે તેમજ સિંહણને વહેલી તકે કબજે કરવાની માંગ ઉઠાવી છે.
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામમાં સિંહણના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સિંહણે હુમલો કરતા એક પશુપાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હુમલા બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સિંહ યુવકનો પગ પકડીને બેઠો હોય તેવું જોવા મળી રહ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પશુપાલક માલઢોર ચરાવવા ગયો હતો ત્યારે સિંહણ દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બાદમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ ઘટનાને લઈને ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વન વિભાગ વહેલી તકે વન્ય પ્રાણીઓને ગામથી દૂર ખસેડે જેથી આવી ઘટનાઓ ફરી ન બને. પરિવારજનોએ પણ સિંહણને જલદી કબજે કરવાની માંગ ઉઠાવી છે.
ઘટના બાદ ઇજાગ્રસ્તના પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે સિંહણના હુમલા બાદ પણ વન વિભાગ લગભગ બે કલાક મોડું પહોંચ્યું હતું. પરિવારના જણાવ્યા પ્રમાણે, વન વિભાગના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ પણ આપવામાં આવ્યો નહોતો અને ઘટનાની કોઈ યોગ્ય પૂછપરછ પણ કરવામાં આવી નહોતી.
પરિવારનું કહેવું છે કે આ ઘટના બાદ હવે બાળકોને ભણવા મોકલવામાં પણ ડર લાગી રહ્યો છે. ગામમાં સિંહણની અવરજવર હોવાથી લોકોમાં સતત ભયનો માહોલ છે. પરિવારની માંગ છે કે ફોરેસ્ટ વિભાગ સિંહણને જલદી કબજે કરે જેથી ગામના લોકો સુરક્ષિત અનુભવ કરી શકે.
સ્થાનિક હેમુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, સવારે અંદાજે ૮ઃ૩૦ થી ૯ વાગ્યાનો સમય હતો. તેમની પાસે નેહડું છે, ત્યાંથી સિંહ દોડ્યો અને તેમના પર હુમલો કર્યો. ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગીને સીધા પોતાની બહેનના ઘરે ગયા. ત્યારબાદ ત્યાંથી બીજા એક ઘરે ગયા, જ્યાં પણ સિંહે હુમલો કર્યો હોવાનું તેમણે જણાવ્યું. હેમુભાઈના જણાવ્યા પ્રમાણે, ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓ આવ્યા હતા, પરંતુ માત્ર જોઈને જતા રહ્યા અને કોઈ પણ પ્રકારના પગલા લીધા નહોતા.
તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ આવી કોઈ ઘટના બની નહોતી, પરંતુ હવે ડર લાગી રહ્યો છે કારણ કે તેમના બાળકો એકલા સ્કૂલે જાય છે. તેમણે વન વિભાગને સિંહણને પકડવાની માંગ કરી છે. ઇજાગ્રસ્તના સગા જયેશ ગમારાએ જણાવ્યું હતું કે તેમના કાકા પર સિંહણે હુમલો કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ સિંહણે શરીરના ઉપરના ભાગમાં હુમલો કર્યો હતો.
