વડોદરામાં વરિષ્ઠ નાગરિક સાથે રૂ.૧.પ૧ કરોડનો સાઈબર ફ્રોડ
AI Image
વડોદરા, વડોદરામાં ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટસમાં વધુ નફાની લાલચ આપી સિનિયર સિટીઝન પાસેથી ૧.પ૧ કરોડની રકમ અલગ અલગ બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી થઈ છે. સમગ્ર મામલે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેને આધારે સાયબર ક્રાઈમ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ૮ ફેબ્રુઆરી- ર૦ર૬ થી ર૧ એપ્રિલ- ર૦ર૬ દરમિયાન અજાણ્યા આરોપીઓએ ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટના બહાને સિનિયર સિટીઝનનો સંપર્ક કરી વધુ વળતરની લાલચ આપી હતી.
ત્યારબાદ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવા માટે લિંક મોકલી ફરિયાદીને અલગ અલગ તબકકે વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂ.૧,પ૭,૦૦,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં માત્ર રૂ.પ,ર૪,૦૦૦ પરત આપીને બાકીના રૂ.૧,પ૧,૭૬,૦૦૦ પરત ન આપતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
આ સમગ્ર કેસમાં મોબાઈલ નંબર ધારકો, બેન્ક ખાતા ધારકો, એપ્લિકેશનની લિંક મોકલનાર તેમજ એપ્લિકેશન બનાવનાર અને તેનો ઉપયોગ કરનાર સહિતના અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
