ICICI બેન્કના CDMમાંથી મળેલી નકલી નોટોનો રેલો બારડોલી સુધી પહોંચ્યો
૨૦૦ ની ડુપ્લિકેટ નોટો બજારમાં ઘુસાડનાર બે આરોપી પકડાયા
વડોદરા, વડોદરાના વાઘોડિયા રોડની આઇસીઆઈસીઆઈ બેંકના કેશ ડિપોઝીટ મશીનમાંથી મળેલી સાત નોટોનું એસઓજીએ પગેરૂ શોધી કાઢી ગણતરીના કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી છે.
સ્વીગીના ડિલેવરી બોયને રોકડ નાણાં આપનાર મૂળ ભુજના આરોપીની ધરપકડ કર્યા બાદ ૨૦૦ ની ડુપ્લીકેટ ચલણી નોટો આપનાર સુરતના આરોપીને ઝડપી પાડ્યો હતો. શેરબજારમાં થયેલા નુકશાનને સરફર કરવા માટે બારડોલીના એક શખ્સ પાસેથી આ નોટો મેળવી હોવાનો ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવતા એસઓજીએ તપાસનો દૌર બારડોલી તરફ લંબાવ્યો છે.
આઇસીઆઇસી બેંકની વાઘોડિયા રોડ શાખાના સી.ડી.એમ મશીનમાં સ્વીગી લિમીટેડ કંપનીના એકાઉન્ટમાં રૂ. ૧૭૦૦ કેશ ડિપાઝીટ કરવામાં આવ્યા હતો. જેમાં ૨૦૦ ના દરની ૭ નકલી નોટો ડિટેક્ટ થઈ હતી. આ બાબતની તપાસ એસ.ઓ.જી શાખાને સોંપવામાં આવી હતી.
એસઓજીની તપાસ દરમિયાન નેંશનલ હાઇવે નં. ૪૮ પર એલ એન્ડ ટી નોલેજ સીટી સામે આવેલા ‘સાહિત્ય ગ્રીન ફ્લેટ’ ખાતે રહેતા એક ગ્રાહકની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતુ કે, તેણે ઓર્ડરના પેમેન્ટના નાણાં આરોપી નિરવ પ્રભુલાલ મહેતા પાસેથી મેળવ્યા હતા.
પોલીસે ત્વરીત કાર્યવાહી કરી નિરવ પ્રભુલાલ મહેતાના ઘરની ઝડતી લેતા તેના સરસામાનમાંથી રૂ.૨૦૦ ના દરની શંકાસ્પદ ૬૦ નકલી નોટો મળી આવી હતી. જે ડુપ્લીકેટ હોવાનું સાબિત થયું હતું. જેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નિરવ પ્રભુલાલ મહેતાને ઝડપી તેની પાસેથી ભારતીય બનાવટની રૂ.૨૦૦ ના દરની ડુપ્લીકેટ ચલણી નોટો નંગ-૬૦ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
નિરવ મહેતાની પોઇ ભાવિક જીતિયા દ્વારા સઘન પૂછપરછ કરતાં તેણે આ ૬૦ નોટો. સુરત રહેતા તેના જુના ભાગીદાર મનિષ પાનસુરિયા પાસેથી મેળવી હોવાની કબૂલાત કરતાં એસઓજીની એક ટીમ સુરત પહોંચી હતી અને સુરતના વેલેન્જા ગામ, શુભશાંતિ રેસીડન્સીમાં રહેતા અને મૂળ રાજકોટના વતની મનીષ ખીમજીભાઇ પાનસુરિયાની ધરપકડ કરી હતી.
તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે નિરવ મહેતા સાથે , તે સુરતમાં ઓફસ ખોલી તે શેરબજારનું કામ કરતાં હતા. જેમાં ખોટ જવાને કારણે આર્થિક ભીસમાં આવી ગયા હતા. તેના મિત્રની મદદથી બારડોલીના એક ગામમાંથી અસલી નોટો સામે ડબલ ડુપ્લીકેટ નોટો મેળવી હતી. આ ડુપ્લીકેટ નોટો તેણે અન્ય સહ આરોપીની મદદથી બજારમાં ફરતી કરી હતી.
