Western Times News

Gujarati News

ગોંડલના ૭૬ રીઢા ગુનેગારોને પોલીસની કડક ચેતવણી-ગુનાખોરી છોડો, સન્માનભેર જીવો

હિસ્ટ્રીશીટર અને રીઢા ગુનેગારોનું પોલીસે કર્યું કાઉન્સેલિંગ

ગોંડલ, રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનાખોરી પર અંકુશ મેળવવા વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગોડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાના અધ્યક્ષસ્થાને હિસ્ટ્રીશીટર અને રીઢા ગુનેગારોનું વિશેષ કાઉન્સેલિંગ કરાયું.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શરીર અને મિલકત સંબંધિત ગુનાઓને રોકવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું હતું.

બેઠક દરમિયાન ગોંડલ ડિવિઝન હેઠળના કુલ ૭૬ હિસ્ટ્રીશીટર અને બે કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારોને પોલીસ સમક્ષ હાજર રાખવામાં આવ્યા હતા. ડીવાયએસપી કે.જી.ઝાલાએ તમામને ગુનાખોરીનો માર્ગ તાત્કાલિક છોડી દેવા, કાયદાનું પાલન કરવા અને સમાજમાં સારા નાગરિક તરીકે સન્માનપૂર્વક જીવન જીવવા સૂચના આપી હતી.

પોલીસ સ્ટેશન મુજબ હાજર રહેલા ગુનેગારોમાં ગોંડલ સિટી ‘એ’ ડિવિઝન રર, સિટી ‘બી’ ડિવિઝન -ર૧, સુલતાનપુર પોલીસ સ્ટેશન ૧૩, કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન ૧૦, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ૧૦નો સમાવેશ થાય છે.

આ સમગ્ર કાર્યક્રમમાં ગોંડલ ડિવિઝનના તમામ પોલીસ ઈન્સ્પેકટર પણ હાજર રહ્યા હતા. તેમણે પોતાના વિસ્તારના રીઢા ગુનાખોરી રોકવા અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.