Western Times News

Gujarati News

દક્ષિણ ગુજરાતમાં આભ ફાટયુંઃ સુરત જળબંબાકાર

સુરતમાં ૧૦ ઇંચ વરસાદ પડતાં વાહન વ્યવહાર ઠપ્પઃ શાળા-કોલેજોમાં રજા જાહેર: વલસાડ સહિતના જિલ્લાઓમાં પણ વ્યાપક વરસાદ

અમદાવાદ, રાજ્યમાં સતત ત્રીજા દિવસે વ્યાપક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દ.ગુજરાતમાં અતિભારે વરસાદ પડતા સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત વાપી, વલસાડ, નવસારીમાં પણ ગોઠણસમા પાણી ભરાતાં જનજીવન ઠપ થઈ ગયું છે.

સુરતમાં પ૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને શહેરમાં બચાવ ટુકડીઓ દ્વારા હોડીઓ મારફતે ખસેડવામાં આવી રહ્યા છે. દુકાનોમાં અને ઘરોમાં પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. મધ્ય ગુજરાતમાં પણ નડિયાદ, વડોદરા સહિતના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડયો છે.

રાંદેરમાં બે મિત્રો કરંટ લાગતા કાળનો કોળિયો બન્યા રાંદેર ગામ મોટી મસ્જિદ પાસે આવેલી સુજાતખાન સ્ટ્રીટમાં સોમવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. મજૂરી કામ કરતો 28 વર્ષીય આઝમ આલમ અબ્દુલ કમાલ વરસાદમાં નહાયા બાદ ભીના કપડે ઘરમાં પરત ફરી રહ્યો હતો.

આ દરમિયાન ઘરની બહાર લાગેલી લોખંડની સીડી ચડતી વખતે તેમાં ઉતરી આવેલા શોર્ટ સર્કિટના હાઈ વોલ્ટેજ કરંટની ચપેટમાં આવી ગયો હતો. તેને ચોંટી ગયેલો જોઈ પાડોશમાં રહેતો તેનો પરમ મિત્ર મોહમ્મદ સલમાન શેખ જીવના જોખમે બચાવવા દોડ્યો હતો, પરંતુ લોખંડના સળિયામાં વહી રહેલા ભયાનક કરંટના કારણે સલમાન પણ તેનો ભોગ બન્યો હતો. બંને મિત્રોના ઘટનાસ્થળે જ તરફડીને કરુણ મોત નીપજ્યા હતા.

પાંડેસરા અને માન દરવાજા ખાતે કરંટ લાગતા બેના મોત પાંડેસરામાં પોલીસ કોલોની સ્થિત સંકટમોચન હનુમાન મંદિરના મુખ્ય ટ્રસ્ટી રામ સુરેશ પાંડે વરસાદ દરમિયાન આસપાસ કોઈ કામગીરીમાં હતા, ત્યારે અચાનક વીજ વાયરોના શોર્ટ સર્કિટના કારણે કરંટ લાગતા જમીન પર ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું.

માન દરવાજા વિસ્તારમાં રહેતી 6 વર્ષની માસૂમ બાળકી અલીના પોતાના ઘરના દાદર ચઢી રહી હતી, ત્યારે સંતુલન જાળવવા લોખંડની રેલિંગનો સહારો લેતા જ તેને જોરદાર શોર્ટ લાગ્યો હતો. ચોમાસાના ભેજ અને વાયર લીકેજને કારણે રેલિંગમાં ઉતરેલા કરંટથી બાળકીનું ઘટનાસ્થળે જ મોત થતાં સ્થાનિકોમાં વીજ કંપની સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.

કતારગામમાં 22 વર્ષીય નવવધૂ પર વીજળી ત્રાટકી કતારગામ વિસ્તારમાં ખોડીયાર માતાના ટેકરા પાસે આવેલા શુકન પેલેસમાં રહેતી 22 વર્ષીય રિશીતા રાજન મિસ્ત્રીના હજુ થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા. રવિવાર અને સોમવારના ભારે વરસાદનો આનંદ માણવા રિશીતા પોતાના ઘરના ધાબા પર ગઈ હતી, તે દરમિયાન અચાનક વાદળોના ગડગડાટ વચ્ચે તેના પર પ્રચંડ આકાશી વીજળી ત્રાટકી હતી. વીજળીના ઝટકા અને દાઝી જવાના કારણે નવવધૂનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પાલીમાં તંત્રની બેદરકારીના ખાડામાં બે બાળકો ડૂબ્યા સુરત મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારીને ખુલ્લી પાડતી ઘટના પાલી વિસ્તારમાં સામે આવી છે. મહાવીર સોસાયટીની સામે અને આંગમ નવકાર રેસિડેન્સીની નજીક એક મોટો C.O.P. નો ખાડો ખોદીને ખુલ્લો છોડી દેવાયો હતો, જેમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. સાંજના સમયે રમત-રમતમાં ત્યાં પહોંચેલા 8 વર્ષીય ક્રિષ્ના અને 8 વર્ષીય શ્રેયા નામના બે નિર્દોષ બાળકોનો પગ લપસતાં તેઓ ખાડામાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી બંનેના મોત નીપજ્યા હતા.

તંત્ર દ્વારા કડક તપાસની ખાતરી આ હૃદયદ્રાવક દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સત્તાવાળાઓએ આ જગ્યાએ ખાડાને ખુલ્લો રાખવાના કારણો અંગે કડક તપાસ શરૂ કરાવી છે અને સ્થાનિક રહીશોને ખાતરી આપી છે કે આ ગુનાહિત બેદરકારી પાછળ જે પણ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર હશે તેની સામે કડકમાં કડક કાનૂની અને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.