Western Times News

Gujarati News

ટ્રમ્પના ઈરાન સાથે ડીલ નહીં કરવાના એલાનની સાથે ઈઝરાયલ એક્ટિવ

જેરૂસલેમ, વૈશ્વિક રાજકારણ અને મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ફરી એકવાર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે ચાલી રહેલા સીઝફાયરને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની એક મોટી અને ચોંકાવનારી જાહેરાત કરી દીધી છે.

ટ્રમ્પના આ આક્રમક વલણ બાદ ઇરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે ખુલ્લા યુદ્ધ તરફ આગળ વધી રહ્યો હોય તેમ જણાય છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું સ્પષ્ટ કહેવું છે કે હવે ઇરાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી એ માત્ર સમયનો બગાડ છે અને અમેરિકા કોઈપણ કિંમતે ઇરાનને પરમાણુ હથિયાર વિકસાવવા નહીં દે.

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ સત્તાવાર એલાનથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે પોતાના સંબોધનમાં માત્ર સીઝફાયર ખતમ કરવાની જ વાત નથી કરી, પરંતુ તેમણે ઇરાનમાં શાસન બદલવા એટલે કે રિજીમ ચેન્જ કરવા તરફ પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે. આ જાહેરાત બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે અમેરિકા હવે ઇરાન પર આર્થિક પ્રતિબંધોની સાથે સૈન્ય કાર્યવાહી માટે પણ માનસિક રીતે તૈયાર થઈ ચૂક્્યું છે.

અમેરિકાના આ મોટા નિર્ણયની સાથે જ તેનો પરમ મિત્ર દેશ ઇઝરાયલ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયો છે. ઇઝરાયલી મીડિયામાંથી લીક થયેલા અહેવાલો અનુસાર, ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ઇરાન સામે એક મોટું ઓપરેશન લોન્ચ કરવાનો પ્લાન તૈયાર કરી લીધો છે. લીક થયેલી માહિતી મુજબ, ઇઝરાયલી વાયુસેના ટૂંક સમયમાં જ ઇરાનના સૈન્ય મથકો અને તેના ગુપ્ત પરમાણુ ઠેકાણાઓ પર એક અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કરી શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.