Western Times News

Gujarati News

બેદરકારીના આક્ષેપસર બેંકો વકીલને બ્લેકલિસ્ટમાં મૂકી શકે નહી : સુપ્રીમ

કેસમાં અરજદાર વકીલ સામે માત્ર બેદરકારીનો આક્ષેપ

બેંકો તથા ઇન્ડિયન બેંક એસોસિયેશનને અરજદાર વકીલનું નામ કોશન લિસ્ટમાંથી તાત્કાલિક દૂર કરવા આદેશ કરાયો

નવી દિલ્હી,એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટ કર્યું કે બેંકો અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (ૈંમ્છ) માત્ર વ્યાવસાયિક બેદરકારીના આરોપોના આધારે વકીલોને ‘કોશન લિસ્ટ’ (સાવચેતી યાદી)માં સામેલ કરી શકતા નથી. કાનૂની વ્યવસાયની સ્વતંત્રતાને વધુ મજબૂત બનાવતા જસ્ટિસ પી. એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે જણાવ્યું કે, વકીલોને બ્લેકલિસ્ટ કરવાનું પગલું બાર કાઉન્સિલોને કાયદા દ્વારા અપાયેલી શિસ્ત સંબંધિત સત્તામાં ગેરવાજબી દખલ કરવા સમાન છે.

જસ્ટિસ પી. એસ. નરસિંહાએ ૪૧ પાનાંના ચુકાદામાં જણાવ્યું કે, અમે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને વકીલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપનાના નિષ્ણાતોની એક ટીમ રચવાનો નિર્દેશ આપીએ છીએ. આ ટીમ વકીલો માટે નેશનલ લીગલ એકેડમી સ્થાપવાના વિચાર પર ચર્ચા કરશે અને તેની રૂપરેખા તૈયાર કરશે. અમને આશા અને વિશ્વાસ છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરશે અને તેના નિર્ણયથી કોર્ટને માહિતગાર કરશે.

ચુકાદામાં બંધારણની કલમ ૨૨૬ હેઠળ ન્યાયિક સમીક્ષાના અધિકારનો વ્યાપ પણ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. કોર્ટે જણાવ્યું કે IBA સામે રિટ અરજી દાખલ કરી શકાય છે.સુપ્રીમ કોર્ટે આ સાથે અલ્હાબાદ હાઈકોર્ટનો તે અભિપ્રાય ફગાવી દીધો કે IBA બંધારણની કલમ ૧૨ હેઠળ ‘રાજ્ય’ નથી, તેથી તેની સામે રિટ અરજી થઈ શકે નહીં. કોર્ટે ઠરાવ્યું કે, હાલના કેસમાં અરજદાર વકીલ સામે માત્ર બેદરકારીનો આક્ષેપ છે. આવી સ્થિતિમાં તેમનું નામ કોશન લિસ્ટમાં સામેલ કરવું કાયદેસર નથી.

તેથી અમે બેંક અને IBAને અરજદારનું નામ કોશન લિસ્ટમાંથી તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્દેશ આપીએ છીએ. બેન્ચે વધુમાં કહ્યું કે, વકીલ સામે વ્યાવસાયિક બેદરકારી અથવા ગેરવર્તણૂકના આરોપો સાચા હોય તો પણ તેની કાર્યવાહી કરવાનો વિશિષ્ટ અધિકાર માત્ર એડવોકેટ્‌સ એક્ટ હેઠળ રચાયેલી શિસ્ત સમિતિઓ અને બાર કાઉન્સિલો પાસે જ છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.