Western Times News

Gujarati News

બેંકના નિવૃત્ત કર્મચારીને APK ફાઇલ મોકલી ૧૧.૪૨ લાખની સાયબર ઠગાઈ

ગઠિયાએ વૃદ્ધની ચાર એફડી તોડી રૂપિયા પડાવ્યા

ગઠિયાએ ‘બેંક હેલ્પ’ નામની એક લિંક વૃદ્ધને મોકલી હતી ઃ પોલીસે આરોપીને પકડવા માટે કવાયત હાથધરી

અમદાવાદ,સાયબર ગઠિયાએ બેંકના નિવૃત્ત કર્મચારીને જ નિશાન બનાવી APK ફાઇલ દ્વારા ૧૧.૪૨ લાખની છેતરપિંડી કરી છે. આનંદનગરના નિવૃત્ત બેંક કર્મચારી સાથે આ બનાવ બન્યો છે. તેઓ અગાઉ યુનિયન બેંકમાં ફરજ બજાવતા હોવાથી બેંકના નિવૃત્ત અને હાલના કર્મચારીઓના એક વોટ્‌સએપ ગ્રૂપના સભ્ય હતા. આ ગ્રૂપમાં સમયાંતરે બેંક સંબંધિત માહિતી શેર કરવામાં આવતી હતી. આ દરમિયાન ગ્રૂપમાં ‘બેંક હેલ્પ’ નામની એક લિંક શેર કરવામાં આવી હતી.

જેના આધારે વૃદ્ધ સાથે ઠગાઈ કરવામાં આવી હતી. ગઠિયાએ વૃદ્ધની ચાર એફડી તોડી રૂપિયા પડાવ્યા હતા.લાલ બત્તી સમાન કિસ્સાની જાણવા મળતી વિગતો એવી છે કે બેંકના નિવૃત્ત કર્મચારીઓનું એક વોટ્‌સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે જેમાં એક લિંક મૂકવામાં આવી હતી. આ લિંક પોતાના ગ્રૂપની હોવાથી તેના પર વિશ્વાસ કરી વૃદ્ધે તે લિંક પર ક્લિક કરતાં વોટ્‌સએપ કોલ દ્વારા એક અજાણ્યા શખ્સનો સંપર્ક થયો હતો.

તેણે પોતાની ઓળખ યુનિયન બેંકના મેનેજર તરીકે આપી અને બેંક સંબંધિત સમસ્યાઓમાં મદદ કરવાની ખાતરી આપી હતી. વાતચીત દરમિયાન વૃદ્ધે પોતાના બેંક લોકરના ભાડામાં ડિસ્કાઉન્ટ અંગે પૂછપરછ કરી હતી. ઠગે મદદનું આશ્વાસન આપીને બીજા દિવસે ફરી સંપર્ક કર્યાે હતો.ત્યારબાદ કસ્ટમર સપોર્ટના નામે એક APK ફાઇલ વૃદ્ધના મોબાઇલમાં મોકલવામાં આવી હતી. શખ્સે આ ફાઇલ ડાઉનલોડ કરી તેમાં જરૂરી વિગતો ભરવા જણાવ્યું હતું. વિશ્વાસમાં આવી વૃદ્ધે ફાઇલ ઇન્સ્ટોલ કરી અને માગેલી માહિતી ભરી દીધી હતી.

ત્યારબાદ તેમના મોબાઇલ પર OTP આવવા લાગ્યા. શરૂઆતમાં તેમને કોઈ શંકા ન જતાં તેમણે ખાસ ધ્યાન આપ્યું નહોતું.થોડા સમય બાદ જ્યારે વૃદ્ધ બેંકમાં પહોંચીને ખાતાની વિગતો તપાસવા ગયા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અજાણ્યા શખ્સે તેમના ખાતામાંથી અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને તેમજ ચાર ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તોડીને કુલ ૧૧.૪૨ લાખ ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું હતું. પોતાની સાથે સાયબર ઠગાઈ થઈ હોવાનું જાણ થતાં વૃદ્ધે તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.