બસમાં વૃદ્ધાના પર્સમાંથી ૭ લાખની સોનાની બંગડીઓ ચોરાઈ
પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, અમદાવાદની એએમટીએસ બસમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નવા વાડજ અખબારનગર બસ સ્ટેશન પાસે બસ બદલવા માટે ઉતરેલી એક વૃદ્ધ મહિલાના પર્સમાંથી ચોરે નજર ચૂકવીને અંદાજે ૭.૨૯ લાખ રૂપિયાની કિંમતની સોનાની ચાર બંગડીઓ ચોરી કરી નાસી છૂટ્યો છે.
આ મામલે ભોગ બનનાર મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, વંદે માતરમ વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય વિજયલક્ષ્મીબહેન યાદવ આ ચોરીનો ભોગ બન્યા છે. ત્રીજી જુલાઈના રોજ સવારે ૧૦ વાગ્યાની આસપાસ વિજયલક્ષ્મીબહેન તેમના પતિ સાથે સરદારનગર આંબાવાડી જવા માટે નીકળ્યા હતા. તેઓ પોતાના ઘર નજીક આવેલા એએમટીએસ બસ સ્ટેશનથી બસમાં સવાર થયા હતા.
બસમાં ભારે ભીડ હોવાનો લાભ ઉઠાવીને કોઈ અજાણ્યા ગઠિયાએ ચાલુ બસે તેમનું ધ્યાન ચૂકવીને પર્સમાંથી દાગીના સેરવી લીધા હતા. આગળના પ્રવાસ માટે બીજી બસ બદલવાની હોવાથી વૃદ્ધ દંપતી અખબારનગર, નવા વાડજ એએમટીએસ બસ સ્ટેશન ખાતે ઉતર્યું હતું. બસમાંથી નીચે ઉતરીને વિજયલક્ષ્મીબહેને જ્યારે જોયું તો તેના હાથમાં રહેલું મોટું પર્સ ખુલ્લું હતું અને તેની અંદર રાખેલું એક નાનું પર્સ ગાયબ હતું.
આ નાના પર્સમાં કુલ ૪ સોનાની બંગડીઓ રાખેલી હતી. સોનાની બંગડીઓ ચોરાઈ ગઈ હોવાની જાણ થતાં જ વિજયલક્ષ્મીબહેન યાદવે તાત્કાલિક વાડજ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને અજાણ્યા ચોર સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ મામલે બે આરોપી ભલાજી ઠાકોર (રહે. ચાંદખેડા, મૂળ ખેડા) અને દિપક કંસારા (રહે. ખોખરા)ની ધરપકડ કરી છે.
