Western Times News

Gujarati News

ચીનમાં ‘બાવી’ વાવાઝોડાથી તારાજીઃ ૨૦ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

વાવાઝોડાને પગલે અનેક ફ્લાઈટ્‌સ, રેલવે સેવા રદ કરાઈ

ઝેજિઆંગ પ્રાંતના પૂર નિયંત્રણ વિભાગે પૂર અને અનેક માર્ગાે પર જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ચેતવણી જારી કરી

તાઈપેઈ,ચીનમાં એક જ પખવાડિયામાં બીજું વિનાશક વાવાઝોડું ત્રાટક્યું હતું. ચીનના પૂર્વીય કાંઠે શનિવારે ત્રાટકેલાં ‘બાવી’ નામના વિનાશક વાવાઝોડાં એ વ્યાપક તારાજી સર્જી છે. વાવાઝોડાને કારણે અત્યંત તીવ્ર ઝડપે ફૂંકાયેલા પવન અને ભારે વરસાદે ચીનની રાજધાની બેઈજિંગ સહિત અનેક શહેરોને ઝપેટમાં લીધાં હતાં. વાવાઝોડાંના રૌદ્ર સ્વરૂપ અને ભારે વરસાદને કારણે ચીનના ઝેજિઆંગ પ્રાંતમાંથી આશરે ૨૦ લાખથી વધુ લોકોનું જ્યારે શાંઘાઈમાંથી ૩૫,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યાં હતાં.

ચીનના પૂર્વીય તટ ઝેજિઆંગમાં સવારે ૧૧.૨૦ કલાકે ત્રાટકેલું બાવી વાવાઝોડું એ ચાલુ વર્ષે ચીન પર ત્રાટકેલું નવમું વાવાઝોડું છે. સેકન્ડના ૪૦ મીટરની તીવ્ર ઝડપે આગળ વધી રહેલા આ વાવાઝોડાએ યુહાન શહેરને પણ પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. ચીનના હવામાન વિભાગે વાવાઝોડાનું ઓરેન્જ એલર્ટ જારી કરી લોકોને ઘરમાં રહેવા અપીલ કરતાં શાળા-કોલેજો અને ફેરી સર્વિસ બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. વાવાઝોડાને પગલે બેઈજિંગ સહિત કેટલાંક શહેરોના એરપોટ્‌ર્સ પરની અનેક ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત રેલવે સેવા પણ મર્યાદિત કરી દેવાઈ છે.

ઝેજિઆંગ પ્રાંતના પૂર નિયંત્રણ વિભાગે પૂર અને અનેક માર્ગાે પર જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ચેતવણી જારી કરી છે.આ ઉપરાંત હવામાન વિભાગે વરસાદ માટેનું રેડ એલર્ટ પણ જારી કર્યું હતું. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, વાવાઝોડાને કારણે શનિવારે રાત્રે તથા રવિવારે દરિયાકાંઠાના વિસ્તારો તથા મધ્ય અને દક્ષિણના ભાગોમાં મૂશળધાર વરસાદ વરસવાની શક્યતા છે. બાવી વાવાઝોડાને પગલે પૂર્વીય ચીન ઉપરાંત જાપાનના દક્ષિણી ટાપુઓ તથા તાઈવાનમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ કલાકના ૧૪૪ કિ.મી.ની ઝડપે ફિલિપાઈન્સમાં ત્રાટકેલાં બાવી વાવાઝોડાને કારણે વરસેલાં ભારે વરસાદથી જમીન ધસી પડવાને કારણે શનિવારે ફિલિપાઈન્સમાં ૧૭ જણાના મોત નિપજ્યાં હતાં. ફિલિપાઈન્સમાં ૧૧,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરીત કરાયાં હતાં.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.