વિઝા કન્સલ્ટન્ટે વર્ક પરમીટના બહાને રૂ. ૩૨.૫૦ લાખની છેતરપિંડી આચરી
પાસપોર્ટ અને લેટર પરત આવતા મહિલા આરોપીનો ભાંડો ફુટ્યો
ભોગ બનનારે કન્સલ્ટન્ટ પાસે પૈસા પરત માગતા તેણે નાણાં પરત ન આપીને છેતરપિંડી આચરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અમદાવાદ,કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને મહિલા સાથે રૂ. ૩૨.૫૦ લાખની છેતરપિંડી થઇ હોવા અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. થલતેજમાં આવેલી ગ્રોઇંગ ગ્લોબ ઇમિગ્રેશનની મહિલા વિઝા કન્સલ્ટન્ટે વર્ક પરમીટ અપાવવાના બહાને અલગ અલગ ફી અને પ્રોસેસિંગ ફીના બહાને કુલ રૂ. ૩૨.૫૦ લાખ સેરવી લીધા હતા. જોકે, કેનેડાના વિઝા માટે કોઈ અરજી ન થઈ હોવાનો લેટર આવતા મહિલા આરોપીનો ભાંડો ફુટ્યો હતો.
જેથી ભોગ બનનારે કન્સલ્ટન્ટ પાસે પૈસા પરત માગતા તેણે નાણાં પરત ન આપીને છેતરપિંડી આચરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ કડીના ઘુમાસણ ગામના ૫૦ વર્ષીય વર્ષાબેન પટેલ ઘાટલોડિયામાં રહે છે. વર્ષાબેનના પતિ વીસેક વર્ષથી અમેરિકામાં રહે છે. વર્ષાબેનની પુત્રી બીએસસી ન‹સગનો અભ્યાસ કર્યા બાદ વર્ક પરમિટ પર કેનેડા જવા માગતી હતી. વર્ષાબેન જે મંદિરે દર્શન કરવા જતા હતા ત્યાં તેમના એક સંબંધીએ થલતેજમાં આવેલા શક્તિ એક્સટોલ ખાતે જીનલ પંચાલ અને આકાશ પંચાલની વર્ક પરમીટ અને વિઝા આપવાની ઓફિસ આવી હોવાનું જણાવ્યું હતું.
જેથી વર્ષ ૨૦૨૩માં વર્ષાબેન તેમની દીકરીને લઇને આ ઓફિસે ગયા હતા. જ્યાં દીકરીને કેનેડા વર્ક વિઝા પર મોકલવાની વાતચીત કર્યા બાદ ૩૭ લાખ ખર્ચ જણાવ્યો હતો. વર્ષાબેને ફાઇલ માટે જરૂરી ડોક્યુમેન્ટ પણ આપ્યા હતા અને ત્યારબાદ જીનલે વિઝાની પ્રોસેસ ચાલુ કરી હતી. થોડા દિવસો બાદ જીનલ પંચાલે ફોન કરીને આવી ગયાનું કહીને ૧૨.૫૦ લાખ માગતા વર્ષાબેને ચુકવી દીધા હતા. આશરે છ માસ બાદ વિઝા ન આવતા વર્ષાબેને ફોન કરતા જીનલ પંચાલે ગલ્લા તલ્લા કર્યા હતા. જે બાદ વિઝા થઇ ગયા હોવાનું કહીને વીડિયો મોકલીને વિશ્વાસ કેળવ્યો હતો.
જે બાદ જીનલ પંચાલે મોંઘવારી વધી ગઇ હોવાથી ફીમાં વધારો થયો હોવાનું કહીને ૩૯ લાખની માગણી કરતા વર્ષાબેને વધુ છ લાખ ચુકવ્યા હતા. જીનલ પંચાલે પીપીઆર લેટર આવી ગયો છે તેમ કહીને પાસપોર્ટ જમા કરાવડાવ્યો હતો. આશરે દોઢ મહિના બાદ દીકરીનો પાસપોર્ટ અને એક લેટર આવ્યો હતો, લેટરમાં જણાવ્યું હતું કે તમારી કેનેડા ખાતેની વર્ક વિઝા માટેની અરજી થઈ નથી. જેથી વર્ષાબેને આ મામલે જીનલબેન સાથે વાત કરતા તેણે તમારા સિવાયના બીજા લોકોને પણ આ પ્રોબ્લેમ થયો છે અને પાસપોર્ટ પ્રિન્ટ થયા વગર આવ્યો હોવાનું જણાવ્યું હતું.
જેથી બીજી તારીખ આવે ત્યારે જમા કરાવીશું તેમ કહીને જીનલ પંચાલે અલગ-અલગ બહાના કર્યા હતા. જેથી વર્ષાબેને પૈસા પરત માગતા જીનલ પંચાલે ચેક આપ્યા હતા અને તે ચેક રિટર્ન થયા હતા. આમ, ગ્રોઇંગ ગ્લોબ ઇમિગ્રેશનના વિઝા કન્સલ્ટન્ટ જીનલ પંચાલે કુલ રૂ. ૩૨.૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી આચરતા વર્ષાબેને તેની સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.SS1
