Western Times News

Gujarati News

88 વર્ષ જૂની જગદીશ ફરસાણનો ટ્રાન્ઝિટ રિટેલ ક્ષેત્ર પર મોટો મદાર, એરપોર્ટ અને હાઈવે પર આગામી વિકાસના તબક્કા પર નજર

બ્રાન્ડે કાલોલ, સુરત અને અમદાવાદ એરપોર્ટ ખાતે નવા આઉટલેટ્સ શરૂ કરીને પોતાની હાજરી વધુ મજબૂત બનાવી છે. વધુ અવરજવર ધરાવતા ટ્રાન્ઝિટ અને શહેરી વિસ્તારોને કેન્દ્રમાં રાખીને વિકાસને ગતિ આપવાનું કંપનીનું લક્ષ્ય

વડોદરા,  પરંપરાગત નાસ્તા તથા નમકીનના ક્ષેત્રે ભારતની સૌથી જૂની અને સૌથી વધુ વિશ્વસનીય બ્રાન્ડ્સ પૈકીની એક જગદીશ ફરસાણે વધુ અવરજવર ધરાવતા ટ્રાન્ઝિટ સ્થળોએ પોતાની હાજરી મજબૂત બનાવીને રિટેલ વિસ્તરણની વ્યૂહરચનાને વધુ વેગ આપ્યો છે. કંપનીના કાલોલ ખાતે શરૂ થયેલા નવા રિટેલ સ્ટોરનું ઉદ્ઘાટન કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

અમદાવાદ અને સુરત એરપોર્ટ પર તાજેતરમાં શરૂ કરાયેલા બે રિટેલ સ્ટોર બાદ હવે કંપની દિલ્હી-મુંબઈ હાઈવે કોરિડોરમાં વિસ્તરણના આગામી તબક્કા માટે તૈયારીઓ કરી રહી છે. આ સમગ્ર વિસ્તરણના પરિણામે આગામી એક વર્ષ દરમિયાન કંપનીના રિટેલ નેટવર્કમાં વધારો થવાની સાથે અંદાજે રૂ. 5થી 6 કરોડની વધારાની આવક થવાની અપેક્ષા છે.

કાલોલ ખાતે તાજેતરમાં શરૂ કરાયેલો ક્યુએસઆર (ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ) આઉટલેટ 4,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં રૂ. 2 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. ગ્રાહકોની બદલાતી પસંદગીને ધ્યાનમાં રાખીને આ આઉટલેટ શરૂ કરવામાં આવ્યો છે. આજના સમયમાં લોકો ઝડપથી અને મુસાફરી દરમિયાન નાસ્તો કરવાની વધુ પસંદગી કરી રહ્યા છે. આ બદલાવને કારણે બ્રાન્ડ્સે ગ્રાહકો સુધી ક્યાં અને કેવી રીતે પહોંચવું તેની વ્યૂહરચનામાં ફેરફાર કરવો જરૂરી બન્યો છે.

કંપનીનું આ વિસ્તરણ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે એરપોર્ટ, હાઈવે અને અન્ય ટ્રાન્ઝિટ સ્થળો ફૂડ અને બેવરેજ બ્રાન્ડ્સ માટે મહત્વપૂર્ણ રિટેલ કેન્દ્રો તરીકે ઝડપથી ઉભરી રહ્યા છે.

આ વિકાસ અંગે જગદીશ ફરસાણના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આકાશ કંદોઈએ જણાવ્યું હતું કે, “આ કેટેગરીમાં વિકાસનો આગામી તબક્કો ટ્રાન્ઝિટ રિટેલમાં નક્કી થશે. એરપોર્ટ અને હાઈવે પર એવા ગ્રાહકો મળે છે જેમની પાસે સમય ઓછો હોય છે, પરંતુ વિશ્વાસની કોઈ કમી હોતી નથી. તેથી અમે સ્ટોરના ફોર્મેટ, પેકેજિંગ અને પ્રોડક્ટને શેલ્ફ પર કેવી રીતે રજૂ કરવી તે અંગે નવી રીતે વિચારીએ છીએ.

કાલોલ અને અમારા એરપોર્ટ સ્ટોર્સ માત્ર એક વખત મળેલી સફળતા નથી, પરંતુ અમારી વ્યૂહરચનાની સફળતાના મજબૂત પુરાવા છે. દિલ્હી-મુંબઈ કોરિડોર એ જ વિચારસરણીનું સ્વાભાવિક વિસ્તરણ છે. દેશના સૌથી વધુ વ્યસ્ત પ્રવાસ માર્ગોમાંના એક એવા આ રૂટ પર વ્યવસ્થિત રીતે કાર્યરત પ્રાદેશિક નાસ્તા બ્રાન્ડ્સે હજુ સુધી ખૂબ મર્યાદિત કામ કર્યું છે. અમને વિશ્વાસ છે કે ગુજરાતમાં દાયકાઓથી લોકોનો વિશ્વાસ જીતનાર અમારી બ્રાન્ડ હવે દેશભરના વધુ મોટા ગ્રાહકવર્ગનો પણ વિશ્વાસ મેળવી શકશે. આ વિસ્તરણ માત્ર વિસ્તરણ કરવા માટે નથી.

દરેક સ્થળની પસંદગી ત્યાંની અવરજવર, લોકો ત્યાં કેટલો સમય વિતાવે છે અને અમારી પ્રોડક્ટ્સ માટે તે સ્થળ કેટલું યોગ્ય છે તે ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જે શિસ્ત અને આયોજનના લીધે વડોદરાના એક જ આઉટલેટથી શરૂ થયેલી જગદીશ ફરસાણને આજે દેશભરમાં વિખ્યાત બની છે તે જ અભિગમ સાથે અમે આ સમગ્ર નેટવર્કનું નિર્માણ કરવા માંગીએ છીએ.”

ભારતમાં સતત વધી રહેલી માર્ગ અને હવાઈ મુસાફરીની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલા નવા એરપોર્ટ રિટેલ સ્ટોર્સના લીધે બ્રાન્ડને ગુજરાતના સૌથી ઝડપથી વિકસતા વ્યાપારી કેન્દ્રોમાંના એકમાં વધુ ખર્ચ કરવાની ક્ષમતા ધરાવતા અને મુસાફરી માટે તૈયાર ગ્રાહકો સુધી પહોંચવાની તક મળી છે. આ તમામ નવા સ્ટોર્સ કંપનીની મોટી વિકાસ વ્યૂહરચનાના પ્રથમ તબક્કાને રજૂ કરે છે. તેનો હેતુ વડોદરામાંથી શરૂ થયેલી આ બ્રાન્ડને તેના પરંપરાગત બજારોની બહાર લઈ જઈ દેશભરના ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે, જેથી લોકો જ્યાં પણ મુસાફરી કરે ત્યાં તેમને જગદીશ ફરસાણ સરળતાથી ઉપલબ્ધ બની રહે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.