પંચમહાલમાં ૩ બાળકોના મોતથી ફફડાટ, 13 ચાંદીપુરા શંકાસ્પદ કેસ સામે આવતા 24 ગામોમાં સર્વેલન્સ શરૂ
પ્રતિકાત્મક
(એજન્સી)ગોધરા, પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસને લઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોને લઈને પંચમહાલના ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ૧૩ બાળકોને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
જેમાંથી પંચમહાલ જિલ્લાના ૧૧ અને મહીસાગર જિલ્લાના ૨ દર્દીઓનો સમાવેશ થાય છે. ચાંદીપુરા પોઝિટિવ ધરાવતા ૨ બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. તેમજ અન્ય ૧ બાળ દર્દીનું શંકાસ્પદ લક્ષણો સાથે મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક ૩ થયો છે. ૧૩ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્યની ટીમે ૨૪ જેટલાં ગામોમાં સર્વેલન્સ સહિતની કામગીરી શરૂ કરી છે.
ગોધરા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૧૩ બાળકોમાંથી ૩ના મોત થયા છે. જ્યારે ૨ બાળકો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ અન્ય ૬ બાળ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં દાખલ બાળકોના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
આ ગંભીર પરિસ્થિતિને પગલે આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. ગત વર્ષે ચાંદીપુરા વાયરસના કેસો મળ્યા એ ગામ મળી સંભવિત કુલ ૨૪ ગામોમાં સઘન સર્વેલન્સ હાથ ધરીને દવા છંટકાવ, તેમજ કાચા મકાનોની દીવાલોની તિરાડો પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સર્વેલન્સ દરમિયાન તંત્ર દ્વારા ૪૫૦થી વધુ સેન્ડફ્લાય માખીઓ પણ પકડવામાં આવી છે.
પહેલીવાર વર્ષ ૧૯૬૫માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં તાવથી પીડાતા બે દર્દીઓના લોહીના નમૂનામાંથી મળ્યો હતો. જેના કારણે આ વાયરસનું નામ ચાંદીપુરા જ રાખવામાં આવ્યું. ત્યારબાદ વર્ષ ૨૦૦૩માં આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં આ વાયરસના કેસ નોંધાયા હતા. આ રોગની સૌથી વધારે અસર બાળકોમાં જોવા મળે છે. વર્ષ ૨૦૧૪ પછી મહારાષ્ટ્ર, ગુજરાત અન્ય રાજ્યોમાં ચાંદીપુરાના કેસો નોંધાઈ રહ્યા છે.
ચાંદીપુરા વાયરસ સેન્ડફ્લાય નામની અત્યંત નાની માખી કરડવાથી ફેલાય છે. આ ઘાતક માખીઓ ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોના કાચા ઘરોની દીવાલોની તિરાડો, છિદ્રો અને ભેજયુક્ત લીંપણવાળા વાતાવરણમાં જોવા મળે છે. આવી જગ્યાએ જ ચેપ ફેલાવતી માખીઓ ફુલેફાલે છે.
આ રોગમાં બાળકને શરૂઆતમાં અચાનક તીવ્ર તાવ આવે છે. તાવ આવ્યા બાદ સતત ઝાડા ઉલ્ટી થવી, શરીરમાં ખેંચ આવવી જેવા લક્ષણો જોવા મળે છે. પરિસ્થિતિ વધુ બગડતાં બાળક અર્ધબેભાન કે સંપૂર્ણ બેભાન પણ થઈ શકે છે. ૨૪થી ૪૮ કલાકની અંદર સારવાર ન મળે તો બાળકનું મૃત્યુ નું જોખમ રહેલું છે.
