અરુણાચલ પ્રદેશમાં પૂર બાદ 1 લાખ લોકો પ્રભાવિત, ઘર-રસ્તા ડૂબ્યાં
અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે, જ્યાં કુમેય નદી ભયજનક સપાટી વટાવી ગઈ છે
ઈટાનગર, અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે કુમેય નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેના લીધે સરહદી શહેર પારસી-પારલો સર્કલ જળમગ્ન બન્યું છે. ભારે વરસાદના કારણે શાળાઓ, કચેરીઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. વિસ્તારની ઘણી કોલોનીઓ અને ગામડાઓના રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. ભૂસ્ખલન અને ધોવાણને કારણે રસ્તાઓને ભારે નુકસાન થયું છે.
નવા પૂર અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે, પુલ ધોવાઈ ગયા છે, અને ઘણા વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે(જીઈર્ંઝ્ર) સોમવારે માહિતી આપી હતી કે, પૂરમાં અત્યાર સુધીમાં ૭ લોકોના મોત થયા છે, જ્યારે ૨૯ લોકો ઘાયલ થયા છે. રાજ્યના ૨૬ જિલ્લાના ૪૨૫ ગામોમાં પૂરના કારણે કુલ ૯૭,૧૮૨ લોકો પ્રભાવિત થયા છે. આ સાથે જ કૃષિ અને જાહેર સંપત્તિને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
કુમેય નદીના ઉપરના વિસ્તારોમાં સોમવારે સવારે ભારે વરસાદથી અચાનક પૂર આવી ગયું. તેનાથી પારસી-પારલો સર્કલ અને દામિન સબડિવિઝન સૌથી વધુ પ્રભાવિત થયા છે. દામિનમાં હુરી-દામિનને જોડતો પુલ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, જેનાથી માર્ગ સંપર્ક તૂટી ગયો છે.
પારસી-પારલોમાં બે મકાનો આંશિક રીતે ક્ષતિગ્રસ્ત થયા છે, અને એક ચર્ચને પણ નુકસાન થયું છે. આ સિવાય પાગમ ગામને જોડતો એક પુલ પણ ધોવાઈ ગયો. વિસ્તારની પ્રખ્યાત સેન્ટ થોમસ સ્કૂલ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે. આ સિવાય પક્કે કેસાંગ જિલ્લામાં ભારે ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે-૧૩ પર પાકરો ગામ પાસે રસ્તો બંધ થઈ ગયો છે.
ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે પ્રભાવિત વિસ્તારોમાં કુલ ૫૪૧.૭૫ હેક્ટર પાક બરબાદ થયો છે. આશરે ૧,૦૧૦ હેક્ટર જંગલ પણ પ્રભાવિત થયું છે. સેંકડો ઘરોને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત ૧૫૦ રસ્તાઓ, ૧૯ પુલ, ૨૨૧ પાણી પુરવઠા વ્યવસ્થા, ૫૮ સરકારી ઇમારતો, ૧૫૬ વીજળી લાઇનો, ૨૨૪ વીજળીના થાંભલા, ૧૦ જળવિદ્યુત પરિયોજનાઓ, ૨ હાસ્પિટલ અને ૩ શાળાઓ ક્ષતિગ્રસ્ત થઈ છે.
જિલ્લા વહીવટી તંત્ર, પેરામિલીટરી ફોર્સ, પોલીસ અને અન્ય વિભાગો સાથે મળીને નુકસાનની સમીક્ષા કરી રહ્યું છે, અને રાહત કામગીરી ચલાવી રહ્યું છે. લોકોને ભારે વરસાદવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી વરસાદથી રાહત નહીં મળવાની શક્્યતા વ્યક્ત કરી છે.
