Western Times News

Gujarati News

Jagannath Mandir Rath Yatra: ડ્રોન અને CCTV સાથે AI રાખશે બાજ નજર, બોમ્બ સ્ક્વોડ એલર્ટ પર

    • રથયાત્રા ૨૦૨૬: જમાલપુર મંદિરથી પરંપરાગત રૂટ પર પોલીસનું મોક ડ્રીલ, કટોકટીનો સામનો કરવા ઘડાઈ ખાસ વ્યૂહરચના.

    રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસ એક્શન મોડમાં: કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ રસ્તા પર ઉતર્યા, ૨૦૦૦થી વધુ જવાનો સાથે કર્યું મેગા રિહર્સલ

અમદાવાદ, શહેરની જાણીતી જગન્નાથ મંદિરની રથયાત્રા ૧૬મી જુલાઈ અને ગુરુવારના રોજ નીકળવાની છે. તે પહેલા અમદાવાદની ૧૪૯મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ૧૩ જુલાઈ સોમવારે સવારે રથયાત્રાના સમગ્ર રૂટ પર અમદાવાદ પોલીસે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. આ રિહર્સલ માટે બે હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે રહ્યા હતા.

રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવા માટે અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત રથયાત્રાના ગ્રાન્ડ રિહર્સલમાં ટ્રાફિક પોલીસ, એસ.આર.પી., આર.એ.એફ.ની વિવિધ ટીમો પણ જોડાઈ હતી. ડ્રોન, સીસીટીવી અને એ.આઈ. આધારિત સર્વેલન્સથી સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવી રહી છે. આટલું જ નહીં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ પણ રૂટ વોચ કર્યો હતો.

રથયાત્રા પહેલાની ગ્રાન્ડ રિહર્સલ દરમિયાન પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર અને તમામ ડેપ્યુટી પોલીસ કમિશનર કક્ષાના ઉચ્ચ અધિકારીઓ મેદાન પર આવી ગયા હતા. રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ન રહી જાય તે માટે ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ સમગ્ર બંદોબસ્તને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ગુજરાતભરમાંથી ૩૦ હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેવાના. આજરોજ યોજાનારા આ સુરક્ષા રિહર્સલમાં ૨૦૦૦થી વધુ પોલીસકર્મીઓ અને સુરક્ષા જવાનો જોડાયા હતા.

નિશ્ચિત કરવામાં આવેલા પ્લાન મુજબ તમામ જવાનોને રૂટ પર તૈનાત કરીને કટોકટીના સમયે કેવી રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવી તેનું જીવંત નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રથયાત્રાના દિવસે ગુજરાતભરમાંથી ૩૦ હજારથી વધુ પોલીસ જવાનો આ રૂટ પર ખડકી દેવામાં આવે તેવો અંદાજ છે.

આ રિહર્સલ જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરથી શરૂ કરીને રથયાત્રાના પરંપરાગત રૂટ પર યોજાઈ હતી. રથયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થવાની છે તે તમામ સંવેદનશીલ અને વ્યસ્ત માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા ચકાસવામાં આવી હતી. જેના કારણે લોકોને થોડા ટ્રાફિકજામનો સામનો કરવો પડ્‌યો હતો. સ્થાનિક પોલીસની સાથે સાથે સ્ટેટ રિઝર્વ પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ જેવી કેન્દ્રીય અને રાજ્યની વિશેષ સુરક્ષા ટુકડીઓ પણ આ રિહર્સલમાં ભાગ લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.