આર્મીમેનની પત્ની સાયબર ઠગાઈનો ભોગ બની
પરિણીતાએ ઠગાઈ અંગે સાયબર હેલ્પલાઈનમાં જાણ કર્યા બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ ગુનો નોંધ્યો
બિટકોઈનનો એજન્ટ હોવાનું કહી ઠગે ૮૫,૮૭૧ પડાવ્યા
અમદાવાદ, કાંકરિયા વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે ઠગે બિટકોઈનનો વિશ્વસનીય એજન્ટ હોવાનું કહી રૂ. ૮૫,૮૭૧ની ઠગાઈ આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિણીતાએ આ અંગે સાયબર હેલ્પલાઈનમાં જાણ કર્યા બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.શહેરના કાંકરિયા વિસ્તારમાં વેદમંદિર નજીકની સોસાયટીમાં રહેતી ૩૨ વર્ષીય પરિણીતા આકૃતિ (નામ બદલ્યું છે) ખાનગી વીમા કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે.
તેના પતિ આર્મીમાં ફરજ બજાવે છે. ગત ૧૮ જૂને પરિણીતા પોતાના ઘરે હાજર હતી, ત્યારે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે, “હું બિટકોઈનનો ઓથેન્ટિક એજન્ટ છું.” તે જ સમયે ઠગે પરિણીતાને જણાવ્યું કે, “જો તમે બિટકોઈનમાં રોકાણ કરશો તો ખૂબ જ ઓછા સમયમાં વધુ નફો મેળવશો. તમે મને રૂ. ૩,૦૦૦ આપો, હું તમને ૪૫ મિનિટમાં રૂ. ૧૦,૦૦૦ કરીને પાછા આપી દઈશ.”વધુ વળતર મેળવવાની લાલચમાં આવી ગયેલી મેનેજર યુવતી ઠગ પર વિશ્વાસ કરી તેની જાળમાં ફસાઈ ગઈ હતી. પરિણીતાએ શરૂઆતમાં રૂ. ૩,૦૦૦ ઠગે મોકલેલા ક્યુઆર કોડ મારફતે ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ ઠગે ફરીથી બીજા રૂ. ૫,૦૦૦ માગતા તે પણ ચૂકવ્યા હતા. બાદમાં પરિણીતાએ રકમ ઉપાડવાનું કહેતાં ઠગે જીએસટી ભરવો પડશે તેમ કહીને તેની પાસે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા. પોતાના એકાઉન્ટમાં રહેલી રકમ પૂર્ણ થઈ જતાં પરિણીતાએ તેના ભાઈના એકાઉન્ટમાંથી પણ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આર્મીમેનની પત્નીએ બિટકોઈનના એજન્ટની જાળમાં ફસાઈને કુલ રૂ. ૮૫,૮૭૧ ગુમાવ્યા હતા. અંતે પોતાની સાથે સાયબર ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં પરિણીતાએ સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફોન કરીને મદદ માંગી હતી. ત્યારબાદ સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે અજાણ્યા મોબાઈલધારક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1
