Western Times News

Gujarati News

જુરાસિક પાર્ક ફિલ્મોનાં જાણીતા કલાકાર સેમ નીલનું ૭૮ વર્ષે નિધન

પરિવાર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી

સેમીને વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિયતા ‘જુરાસિક પાર્ક’ (૧૯૯૩)માં ડૉ. એલન ગ્રાન્ટના પાત્રથી મળી હતી

મુંબઈ,મૂળ ન્યુઝીલેન્ડના અને ખાસ કરીને જુરાસિક પાર્ક હોલિવૂડ ફિલ્મ્સના જાણીતા કલાકાર સેમ નીલનું સોમવારે ૭૮ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના પરિવાર દ્વારા ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી આ અંગે માહિતી આપવામાં આવી હતી. પરિવારના નિવેદનમાં જણાવાયું હતું, “અત્યંત દુઃખ સાથે સેમ નીલના પરિવારજનો આ માહિતી શેર કરે છે કે સોમવાર, ૧૩ જુલાઈએ, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં તેમનું અવસાન થયું છે. અંતિમ ક્ષણોમાં સેમ પોતાના પરિવારજનોની વચ્ચે હતા અને તેમણે સમગ્ર જીવનની જેમ જ ગૌરવ અને શાંતિ સાથે અંતિમ શ્વાસ લીધા હતા.”

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું, “આ ઘટના અચાનક અને અણધારી છે, પરંતુ એક સાંત્વના એ છે કે સેમ કેન્સરમુક્ત હતા. સેન્ટ. વિન્સેન્ટ્‌સ પ્રાઇવેટ હોસ્પિટલના સમગ્ર સ્ટાફે આપેલી ઉત્તમ સારવાર માટે પરિવાર તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. વધુ વિગતો બાદમાં જાહેર કરવામાં આવશે. હાલ પરિવાર આ અસીમ દુઃખમાંથી પસાર થઈ રહ્યો છે, તેથી તેમની ગોપનીયતાનો આદર રાખવા વિનંતી છે.”સેમ નીલ છેલ્લા પાંચ વર્ષથી વધુ સમય સુધી જીવલેણ નોન-હોજકિન લિમ્ફોમા સામે લડ્યા હતા. અગાઉના એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે કીમોથેરાપી અસરકારક ન રહેવા છતાં તેઓ કેન્સર સામે જીત મેળવી શક્યા હતા.

આ વર્ષે એપ્રિલમાં ઓસ્ટ્રેલિયાની એક ચેનલ ને આપેલા એક ટીવી ઇન્ટરવ્યુમાં સેમ નીલે ખુલાસો કર્યાે હતો કે તેઓ સંપૂર્ણપણે કેન્સરમુક્ત છે. તેમણે જણાવ્યું હતું કે જિનેટિક થેરાપી, જેના દ્વારા તેમની રોગપ્રતિકારક શક્તિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, તેના કારણે તેઓ સ્વસ્થ થયા હતા.તેમણે જણાવ્યું હતું કે તેમની કીમોથેરાપીએ એક સમયે અસર કરવાનું બંધ કરી દીધું હતું. તેમણે કહ્યું હતું, “હું સંપૂર્ણપણે નિઃરાશ થઈ ગયો હતો અને એવું લાગતું હતું કે હવે મારી જિંદગીનો અંત નજીક છે, જે સ્વાભાવિક રીતે જ સારો અનુભવ નહોતો. હમણાં જ મારું સ્કેન થયું છે અને મારા શરીરમાં ક્યાંય કેન્સર નથી.

મારા માટે આ ખરેખર અદ્ભુત બાબત છે.”સેમ નીલને પ્રથમ વખત ૧૯૭૭ની ફિલ્મ ‘સ્લીપિંગ ડોગ્સ’થી ઓળખ મળી હતી. ત્યારબાદ તેમણે ‘અટેક ફોર્સ ઝેડ’ (૧૯૮૨), ‘ડેડ કાલ્મ’ (૧૯૮૯), ‘ધ પિયાનો’ (૧૯૯૩), ‘ઇન ધ માઉથ ઓફ મેડનેસ’ (૧૯૯૪) અને ‘ઇવેન્ટ હોરાઇઝન’ (૧૯૯૭) જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.તેમને વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિયતા ‘જુરાસિક પાર્ક’ (૧૯૯૩)માં ડૉ. એલન ગ્રાન્ટના પાત્રથી મળી હતી. બાદમાં તેમણે આ જ પાત્ર ‘જુરાસિક પાર્ક 3’ (૨૦૦૧) અને ‘જુરાસિક વર્લ્ડઃ ડોમિનિયન’ (૨૦૨૨)માં પણ ભજવ્યું હતું.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.