ઈરાન હોમુર્ઝમાં જહાજો પર હુમલા બંધ કરે: ભારત વિદેશ મંત્રાલય
મિસાઇલ હુમલાના કારણે બંને જહાજોમાં આગ લાગી ગઈ હતી, પરંતુ બાદમાં તેના પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવાયો હતો
નવી દિલ્હી, હોર્મુઝ સ્ટેટમાં બે વેપારી જહાજો પર ઈરાને કરેલા હુમલામાં એક ભારતીયનું મોત નીપજતા ભારતના વિદેશ મંત્રાલયે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. આ મુદ્દે વિદેશ મંત્રાલયે નવી દિલ્હી સ્થિત ઈરાની દુતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશનને સમન પાઠવીને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હોર્મુઝમાં જહાજો પર હુમલા કરવાનું બંધ કરવામાં આવે.
હાલમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિમાં ભારતના અનેક જહાજો અટકેલા છે જે બે જહાજો પર હુમલા કરવામાં આવ્યા છે તેમાં ૩૦થી વધુ ભારતીય નાવિકો સવાર હતા અને ૧૦થી વધુને ઈજાઓ પહોંચી છે. ભારતે તમામ પક્ષોને ટેબલ પર બેસી વાતચીતના માધ્યમથી શાંતિનો માર્ગ અપનાવવા અપીલ કરી છે.
સતત ત્રીજા દિવસે પણ અમેરિકાએ ઈરાનના બંદરો પર ભીષણ હુમલો કર્યો છે જયારે ઈરાને ગલ્ફના દેશોમાં આવેલા અમેરિકન સૈન્યના ઠેકાણઓ પર હુમલા કર્યાં છે. અમેરિકાએ ઈરાને જયાં યુરેનિયમ સંતાડયુ છે તે પર્વતમાળા પર હુમલો કરવાની ચીમકી આપી છે. આ પરિસ્થિતિમાં હોર્મુઝ સ્ટેટ પાસે ભારત આવી રહેલા ૧૧ જહાજો અટકી ગયા છે.
સંયુક્ત આરબ અમીરાત ના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે હોર્મુઝમાં યુએઈનો ધ્વજ ધરાવતા બે ટેન્કરો પર ઈરાની ક્‰ઝ મિસાઈલો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ક્‰ના એક ભારતીય સભ્યનું મોત નીપજ્યું છે. આ હુમલામાં અન્ય આઠ સભ્યો ઘાયલ પણ થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું કે ઓમાનના જળક્ષેત્રમાં હોર્મુઝની સામુદ્રધુની ના દક્ષિણી લેનમાં ‘મોમ્બાસા’ અને ‘બાહિયા’ નામના ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં છ ભારતીય નાગરિકો અને બે યુક્રેનિયન નાગરિકો સામેલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલાના પરિણામે ટેન્કર ‘મોમ્બાસા’ના એક ભારતીય સભ્યએ જીવ ગુમાવ્યો છે અને અન્ય ૮ લોકો ઘાયલ થયા છે. તેમાંથી ૪ લોકોને ગંભીર ઇજાઓ થઇ છે, જેમાં ઘાયલોમાં ૬ ભારતીય નાગરિકો અને ૨ યુક્રેનિયન નાગરિકો છે.સંરક્ષણ મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે મિસાઇલ હુમલાના કારણે બંને જહાજોમાં આગ લાગી ગઈ હતી,
પરંતુ બાદમાં તેના પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવાયો હતો.યુએઈએ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. આને ગંભીર ઉલ્લંઘન અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવીને ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા માટે “ખતરો” ગણાવ્યો છે.યુએઈ સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશ આ તણાવપૂર્ણ સ્થિતિનો જવાબ આપવાનો પોતાનો સંપૂર્ણ અધિકાર અનામત રાખે છે અને પોતાનું સાર્વભૌમત્વ, નાગરિકો, રહેવાસીઓ તેમજ રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તમામ જરૂરી પગલાં લેશે.
સંરક્ષણ મંત્રાલયે પણ જણાવ્યું કે તેના સશસ્ત્ર દળો હાઈ એલર્ટ પર છે અને કોઈપણ પ્રકારના જોખમનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.યુએઈની આ જાહેરાત ઈરાનના એ દાવા પછી સામે આવી છે, જેમાં તેણે કહ્યું હતું કે તેના રિવોલ્યુશનરી ગાડ્ર્સે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા બે જહાજો પર ચેતવણીરૂપ ફાયરિંગ કર્યું હતું.
ઈરાનના સરકારી ટેલિવિઝને અહેવાલમાં જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક જળમાર્ગમાંથી કથિત રીતે ગેરકાયદેસર રીતે પસાર થવાને કારણે જહાજોને રિવોલ્યુશનરી ગાડ્ર્સની નૌસેના દ્વારા ચેતવણીરૂપ ગોળીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા અને રોકવામાં આવ્યા હતા.
