Western Times News

Gujarati News

જૂનાગઢ: સક્કરબાગમાં વાઘની પજવણી કરનાર બે ઝડપાયા, વન વિભાગની કાર્યવાહી

જૂનાગઢ: જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વાઘની પજવણી કરવાનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. આ મામલે સક્કરબાગ વન વિભાગે ગુનામાં સંડોવાયેલા આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગત તા. 13 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક પ્રવાસીઓ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરતા જોવા મળ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક શ્રી રાજદીપસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ એક વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઝીણવટભરી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ઘટના તા. 12 જુલાઈના રોજ બની હતી. નિયામકશ્રીની સૂચનાના આધારે વન વિભાગની ટીમે સક્રિયતા દાખવીને આ ગુનાને ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી લીધો હતો અને પજવણી કરનાર તહોમતદારોને દબોચી લીધા હતા.

વન વિભાગ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 (Wildlife Protection Act-1972) ની જુદી જુદી કડક કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વન વિભાગના આ ત્વરિત પગલાંને કારણે અબોલ વન્યજીવો પ્રત્યે ક્રૂરતા આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.