Western Times News

Gujarati News

કડીના ઈરાણાની સીમમાં ગોડાઉનમાંથી રૂ.૬૫.૬૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

પ્રતિકાત્મક

આરોપીઓ ફરાર

નંદાસણ પોલીસે દારૂનો જથ્થો અને પીકઅપ ડાલુ મળી રૂપિયા ૬૮.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે

મહેસાણા,કડી તાલુકાના ઇરાણા ગામની સીમમાં એક બંધ ગોડાઉનમાં બાતમીના આધારે નંદાસણ પોલીસે વિદેશી દારૂનો રૂ.૬૫.૬૦નો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂ તથા પીકઅપ ડાલુ મળીને કુલ રૂ.૬૮.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉનના કબજેદાર અને ડાલાના માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.નંદાસણ પીઆઈ એન.જી.ગોહિલ, પીએસઆઈ જે.એમ.ગેહલાવત સહિત સ્ટાફ પેટ્રલિંગમાં હતા ત્યારે પીઆઈને બાતમી મળી હતી કે, ચડાસણા પાટીયાથી કમલા અમૃત જીઆઈડીસી તરફ જતા રોડ પર એગ્રીમ પ્રિન્ટ એન્ડ પેક કંપની સામે લોખંડના પતરાંના શેડવાળા બીજા નંબરના બંધ ગોડાઉનમાં વિદેશી દારૂ છુપાવેલો છે.

પોલીસની ટીમે ત્યાં રેડ કરી ગોડાઉનનું તાળું તોડીને તપાસ કરતાં ગોડાઉનમાં પીકઅપ ડાલામાં ભરેલી તેમજ નીચે મુકેલી કુલ ૪૩૨ પેટીઓમાંથી વિદેશી દારૂની કુલ ૭૨૦૦ બોટલ મળી આવી હતી. કુલ રૂ.૬૫,૬૦,૪૪૮ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ પીકઅપ ડાલું મળી રૂ.૬૮,૬૦,૪૪૮નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દરોડા દરમિયાન કોઈ શખ્સ હાજર મળી આવ્યો ન હોવાથી પોલીસે નંદાસણ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ઈરાણા ગામની સીમમાં નવા સર્વે નં.૮૫૦ પૈકીના સબ પ્લોટ નં.૩ ઉપર આવેલા સંબંધિત ગોડાઉનના કબજેદાર અને પીકઅપ ડાલાના માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.