Western Times News

Gujarati News

ભરૂચની લાલબજાર મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ – મેલ મળતા સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે.ધમકીના પગલે ભરૂચ ડિવિઝન પોસ્ટ ઓફિસ સહિત જિલ્લાની વિવિધ પોસ્ટ ઓફિસો પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. પોસ્ટ ઓફિસને ઈ – મેલ મારફતે ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસ,બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમો પોસ્ટ ઓફિસ ખાતે પહોંચી હતી અને સુરક્ષાના પગલે તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી.

બોમ્બ અને ડોગ સ્કવોર્ડ દ્વારા પરિસરની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.પોસ્ટ ઓફિસના અંદર અને બહારના વિસ્તારો,પાર્સલ વિભાગ તેમજ અન્ય સંવેદનશીલ સ્થળોની તપાસ કરવામાં આવી હતી.જોકે પ્રાથમિક તપાસ દરમ્યાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ધમકીભર્યો ઈ – મેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે સાયબર ક્રાઈમ સેલ સહિત વિવિધ તપાસ એજન્સીઓ કામે લાગી ગઈ છે.ઈ-મેલના ટેક્નિકલ ડેટા અને આઈપી એડ્રેસના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજ્યની કેટલીક સરકારી કચેરીઓ,શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ ઈ-મેલ મારફતે મળી હતી.તે સમયે તપાસમાં મોટા ભાગની ધમકીઓ અફવા અથવા ખોટી સાબિત થઈ હતી.તેમ છતાં સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારનું જોખમ ન લેતા દરેક ધમકીને ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી કરી રહી છે.

એક તરફ લોકો ભગવાન જગન્નાથની રથયાત્રા માટે વ્યસ્ત છે અને પોલીસ તેની સુરક્ષા બંદોબસ્ત માં ગોઠવાઈ છે ત્યારે આવા ધમકી ભર્યો ઈ – મેલ મળતા લોકોમાં એક સમયે ભય જોવા મળે છે અને પોલીસ પણ તપાસમાં જોડાઈ જાય છે.જોકે આવી ધમકી કે અફવાના કારણે સુરક્ષાને લઈને પોલીસ સતર્ક બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.