Western Times News

Gujarati News

રથયાત્રા પૂર્વે જેસીબી ફેરવી રસ્તાને નડતરરૂપ ગેરકાયદેસર દબાણો દુર કરાયા

(તસ્વીરઃ શહીદ કુરેશી, પાલનપુર) આગામી પવિત્ર અષાઢી બીજના પાવન પર્વે પાલનપુર શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ અને એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. રથયાત્રા શાંતિપૂર્ણ, ભયમુક્ત અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેમજ રથયાત્રાના નિયત રૂટ પર કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે હેતુથી પ્રશાસન દ્વારા કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાલનપુર નગરપાલિકાના તંત્ર દ્વારા રથયાત્રાના માર્ગ પર નડતરરૂપ એવા વોર્ડ નંબર-૫ ના નાનીબજાર વિસ્તાર અને પથ્થર સડક રોડ તરફ જતાં ‘જનતા કચોરી’ પાસે આવેલું એક અતિ જર્જરિત મકાન તોડી પાડવામાં આવ્યું હતું. રથયાત્રાના રૂટ પર આવતા નાનીબજાર વિસ્તારમાં ઊભા થયેલા તમામ ગેરકાયદેસર દબાણોને જેસીબી મશીનની મદદથી હટાવી દેવામાં આવ્યા હતા.

તંત્રની આ કડક ઝુંબેશને કારણે વર્ષોથી સાંકડા બનેલા રસ્તાઓ હવે એકદમ ખુલ્લા અને મોકળા બન્યા છે, જેથી આગામી સમયમાં રથયાત્રા કોઈપણ અડચણ વિના ખૂબ જ સુવિધાપૂર્વક પસાર થઈ શકશે. પ્રશાસનની આ સરાહનીય અને વેગવંતી કામગીરીને સ્થાનિક નગરજનોએ પણ હર્ષભેર આવકારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ તંત્ર દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યું હતું, ત્યારે બીજી તરફ રાજઘઢી નૂતન સ્કૂલ પાસે ફેલાયેલું ગંદકીનું સામ્રાજ્ય પાલિકાના ચીફ ઓફિસરની નજરે ચડ્‌યું ન હતું. આ બાબતે નાગણેજી માતા મંદિર પાસે વ્યાપેલા ગંદકીના મોટા સામ્રાજ્ય તરફ વેસ્ટર્ન ટાઈમ્સના પ્રતિનિધિ (પત્રકાર) દ્વારા પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

પત્રકારની આ રજૂઆત અને જાગૃતતાને પગલે ચીફ ઓફિસરે ત્વરિત પગલાં લીધા હતા અને ત્યાં જામેલા કચરા તથા ગંદકીના ઢગલાને પણ તાત્કાલિક ધોરણે દૂર કરાવી સ્થળને સ્વચ્છ બનાવ્યું હતું. આમ, આગામી અષાઢી બીજની રથયાત્રા પૂર્વે પાલનપુરનું વહીવટી તંત્ર કાયદો-વ્યવસ્થા અને સ્વચ્છતા બંને મોરચે સજ્જ દેખાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.