ઇંગ્લેન્ડ સામે પ્રથમ વન-ડેમાં ભારતનો શાનદાર વિજય
બોલર્સની કમાલ બાદ બેટર્સે દમ દાખવ્યો
ભારતે ટોસ જીત્યા બાદ ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં ૪૭.૫ ઓવરમાં ૨૫૮ રનનો સ્કોર નોંધાવ્યો હતા
બર્મિંગહામ, અક્ષર પટેલના ઓલરાઉન્ડ દેખાવ અને કેપ્ટન શુભમન ગિલના શાનદાર ૮૦ રનની સહાયથી પ્રવાસી ભારતીય ક્રિકેટ ટીમે આખરે તેના આ પ્રવાસમાં પ્રથમ વિજય હાંસલ કરતાં મંગળવારે રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડને છ વિકેટથી હરાવ્યું હતું. આ સાથે ત્રણ મેચની સિરીઝમાં ભારતે ૧-૦ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. જોકે આ મેચમાં જેની પાસેથી સૌથી વધારે અપેક્ષા હતી તે રોહિત શર્મા અને વિરાટ કોહલી મોટો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહ્યા હતા.ભારતે ટોસ જીત્યા બાદ ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં ૪૭.૫ ઓવરમાં ૨૫૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ભારતે ૪૫.૨ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૨૬૨ રન કર્યા હતા.
૨૫૯ રનના ટારગેટ સામે રમતાં ભારતની શરૂઆત કંગાળ રહી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી અનુક્રમે ૧૧ અને પાંચ રન કરી શક્યા હતા. આ બંનેની વિકેટ સાથે ભારતે નવમી ઓવર સુધીમાં ૪૮ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે તે સમયે સામે છેડે કેપ્ટન શુભમન ગિલ મજબૂતીથી રમી રહ્યો હતો.ગિલ અને શ્રેયસ ઐયરે મળીને વિકેટનું પતન અટકાવ્યું હતું અને ત્રીજી વિકેટ માટે ૧૦૩ બોલમાં ૧૦૧ રનની ભાગીદારી નોંધાવી હતી. આ સમયે ગિલ ૮૦ રન (૭૫ બોલમાં)ના સ્કોરે ઇજા પામતા પેવેલિયનમાં પરત ફર્યાે હતો. ત્યાર બાદ ટીમે શ્રેયસ ઐયર (૩૫) અને કે એલ રાહુલ (૦૧)ની વિકેટ ગુમાવી હતી પરંતુ અક્ષર પટેલે આવીને વોશિંગ્ટન સુંદર સાથે ફરીથી ઇનિંગ્સ જમાવી હતી.
અક્ષર પટેલ બાવન બોલમાં એક સિક્સર અને પાંચ ચોગ્ગા સાથે ૫૭ રન ફટકારીને તથા સુંદર ૫૨ રન સાથે અણનમ રહ્યો હતો. અગાઉ જો રૂટ અને લિયમ ડાઉસન વચ્ચેની ૧૨૧ રનની ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડે પ્રારંભિક ધબડકા બાદ મજબૂત લડત આપી હતી અને ટીમનો સ્કોર ૨૫૮ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ભારતે ટોસ જીત્યા બાદ હરીફ ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બેન ડકેટ અને જેકોબ બેથેલે ૧૩મી ઓવર સુધીમાં ૬૧ રન ઉમેરી દીધા હતા. આ તબક્કે ગુરનૂર બ્રારે એક જ ઓવરમાં બે વિકેટ ખેરવી હતી. તેણે બંને ઓપનરે આઉટ કરી દીધા હતા.
ડકેટે ૪૫ બોલમાં બે સિક્સર સાથે ૪૩ રન ફટકાર્યા હતા. આ સાથે ઇંગ્લેન્ડની વિકેટનો સિલસિલો શરૂ થઈ ગયો હતો અને ૨૨મી ઓવર સુધીમાં ગૃહટીમે ૧૦૭ જ રન કર્યા હતા અને તેની પાંચ વિકેટ પડી ગઈ હતી.આ તબક્કે ભારતીય બોલર પાછા પડ્યા હતા અને તેમનું આક્રમણ ધીમું પડી ગયું હતું જેનું પરિણામ એ આવ્યું કે ટીમને આગામી વિકેટ છેક ૪૪મી ઓવરમાં મળી હતી. જો રૂટ અને ડાઉસને આ દરમિયાન ઇંગ્લેન્ડની ઇનિંગ્સ જમાવી હતી અને ૧૩૪ બોલમાં ૧૨૧ રનની ભાગીદારી નોંધાવી દીધી હતી. જો રૂટ છેક સુધી અણનમ રહ્યો હતો. તેણે ૭૬ બોલમાં ૭૬ રન ફટકાર્યા હતા જેમાં છ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતા.
લિયમ ડાઉસને પણ ટીમનો રકાસ અટકાવીને ૮૩ બોલમાં ૬૮ રન ફટકાર્યા હતા. તેણે પણ રૂટ જેટલી જ બાઉન્ડ્રી ફટકારી હતી. ડાઉસન આઉટ થયો ત્યાર બાદ ઇંગ્લેન્ડે વધુ ૩૦ રનમાં બાકીની તમામ વિકેટ ગુમાવી દીધી હતી. અક્ષર પટેલે આ ગાળામાં ચાર વિકેટ ઝડપી હતી. તેણે ૬૨ રનમાં ચાર વિકેટ લીધી હતી તો પ્રસિદ્ધ ક્રિષ્ણા અને ગુરનૂર બ્રારે બે બે અને જસપ્રિત બુમરાહ તથા શિવમ દૂબેએ એક એ વિકેટ લીધી હતી.SS1
