Western Times News

Gujarati News

ધીરજ અને આક્રમકતાનો સંગમ ભારતની સફળતાની ચાવીઃ મઝુમદાર

ખેલાડીઓએ પુષ્કળ ધૈર્ય દાખવ્યું

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે લોડ્‌ર્ઝ ખાતે ઇંગ્લેન્ડ સામેની ઐતિહાસિક ટેસ્ટમાં ૨૭૦ રનના વિશાળ અંતરથી વિજય હાંસલ કર્યાે હતો

લંડન,ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે સોમવારે અહીંના લોડ્‌ર્ઝ ખાતે ઇંગ્લેન્ડ સામેની ઐતિહાસિક ટેસ્ટમાં ૨૭૦ રનના વિશાળ અંતરથી વિજય હાંસલ કર્યાે હતો. આ મેદાન પર પહેલી વાર વિમેન્સ ટેસ્ટને આયોદન કરવામાં આવ્યું હતું. ટીમની સફળતાનો શ્રેય યોગ્ય માત્રામાં આક્રમકતા અને અઢળક ધીરજને આપતા ટીમના ચીફ કોચ અમોલ મઝુમદારે સદી ફટકારનારી યસ્તિકા ભાટિયાની ‘સ્પેશિયલ ઇનિંગ્સ’ અને ઝડપી બોલર ક્રાંતિ ગૌડની ‘ચોક્કસ લાઈન અને લેન્થ’ની ભારોભાર પ્રશંસા કરી હતી. મેચ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મઝુમદારે જણાવ્યું હતું કે ‘આ એક સંપૂર્ણ ગેમ હતી.

અમે બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું, ખૂબ જ સચોટ બોલિંગ કરી અને ફિલ્ડિંગ તો તેનાથી પણ શ્રેષ્ઠ રહી. અમે બેટિંગ અને બોલિંગ બંનેમાં શિસ્તબદ્ધ રહ્યા અને ક્રિકેટના પાયાના સિદ્ધાંતોને વળગી રહ્યા. બોલિંગમાં ધીરજ અને આક્રમકતાનું મિશ્રણ જ આ જીતનું મુખ્ય કારણ હતું.’ બીજી ઇનિંગ્સમાં યસ્તિકાની ૧૫૮ બોલમાં ૧૧૩ રનની ઇનિંગ્સ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે ‘આ એક વિશેષ ઇનિંગ્સ હતી, ખાસ કરીને લોડ્‌ર્ઝ જેવા મેદાન પર, ઇજાઓમાંથી બહાર આવીને તેણે જે રીતે રમત પ્રત્યે સમર્પણ દાખવ્યું તે પ્રશંસનીય છે. તેના શોટ સિલેક્શન અને ઇનિંગ્સને આગળ વધારવાની ક્ષમતા લાજવાબ રહી હતી.’પ્લેયર ઓફ ધ મેચ બનેલી ક્રાંતિ ગૌડ વિશે અમોલ મઝુમદારે જણાવ્યું હતું કે ‘ક્રાંતિ ગૌડનું નિયંત્રણ અદભૂત હતું.

તે સતત ગુડ લેન્થ વિસ્તારમાં બોલિંગ કરી રહી હતી, જેનો તેને ફાયદો મળ્યો છે.’ ભવિષ્ય અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંગે તેમણે ઉમેર્યું હતુ કે ‘ટેસ્ટ ક્રિકેટ એ રમતનું સર્વાેચ્ચ સ્વરૂપ છે અને અમારી ટીમને ગર્વ છે કે અમે તેમાં સફળ રહ્યા. અમે આ વર્ષે ત્રણ ટેસ્ટ રમવાના છીએ, અને જો ભવિષ્યમાં મહિલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું આયોજન થાય તો તે ખૂબ જ આનંદની વાત હશે.’આ ટેસ્ટ અગાઉની તૈયારીઓ વિશે કોચે જણાવ્યું હતું કે મને લાગે છે કે અમે તમામ સારી રીતે જાણતા હતા કે ટેસ્ટ મેચમાં ખરી તાકાત બેટિંગ હોય છે.

અમારી ટીમમાં કેટલાક વર્લ્ડ ક્લાસ ખેલાડી છે જેમાં સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, ખુદ કેપ્ટન હરમનપ્રિત કૌર, દિપ્તી શર્મા અને શેફાલી વર્મા સામેલ છે. આ ઉપરાંત રિચા ઘોષ પણ આક્રમક બેટિંગ કરી શકે છે. આ સંજોગોમાં યાસ્તિકા ભાટીયાની ઇનિંગ્સ ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.