દેશમાં રોકાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું ગુજરાત, નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026’માં નંબર-1
Ø 56.6ના સર્વોચ્ચ સ્કોર સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે, મહારાષ્ટ્ર (53.7) અને તમિલનાડુ (53.3) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા
Ø ઉદ્યોગને અનુકૂળ નીતિઓ, iNDEXTbની સિંગલ-વિન્ડો વ્યવસ્થા અને પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક ઇકોસિસ્ટમના કારણે ગુજરાત રોકાણકારોની પ્રથમ પસંદગી
Ø ઔદ્યોગિક ગ્રાહકો માટે વીજળી રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ 29% સસ્તી, સરેરાશ દરરોજ 23.8 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ
Ø ભારતની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસમાં 31% યોગદાન, પ્રતિ વ્યક્તિ GSDP ₹2.64 લાખ; રાજકોષીય ખાધ માત્ર 2.81% અને કુલ દેવાદારી મોટા રાજ્યોની સરેરાશ કરતાં આશરે 40% ઓછી
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાતે રોકાણ અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા દેશના પ્રથમ ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026’માં ગુજરાતે 56.6ના સર્વોચ્ચ સ્કોર સાથે મોટા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 17 અગ્રણી રાજ્યોના મૂલ્યાંકનમાં ગુજરાતે મહારાષ્ટ્ર (53.7) અને તમિલનાડુ (53.3)ને પાછળ રાખીને દેશના સૌથી ‘ઇન્વેસ્ટમેન્ટ-ફ્રેન્ડલી‘ રાજ્ય તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.
આ રેન્કિંગના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ, કાર્યક્ષમ વહીવટી વ્યવસ્થા અને રોકાણને પ્રોત્સાહન આપતા સુધારાઓને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. નીતિ આયોગનો આ સૂચકાંક 84 સૂચકાંકો અને 8 મુખ્ય સ્તંભોના આધારે રાજ્યોનું મૂલ્યાંકન કરે છે.
iNDEXTbની સિંગલ-વિન્ડો વ્યવસ્થા, સરળ NOC અને શ્રમ અનુકૂળ વાતાવરણથી ગુજરાત રોકાણકારો માટે બન્યું સૌથી વિશ્વસનીય સ્થળ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની નીતિગત સ્થિરતા અને રોકાણકારો માટે વ્યવસાયને અનુકૂળ વાતાવરણ એ રાજ્યની મુખ્ય વિશેષતાઓ છે. રાજ્યનું iNDEXTb (ઇન્ડસ્ટ્રિઅલ એક્સટેન્શન બ્યૂરો) રોકાણકારોને સિંગલ-વિન્ડો ક્લિયરન્સ સાથે એન્ડ-ટુ-એન્ડ સહાય પૂરી પાડે છે, જેના પરિણામે રોકાણની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બની છે. ઉપરાંત, ઉદ્યોગો માટે NOC (નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર) સમયસર અને વાજબી ખર્ચે મળી રહે તે માટે સુવ્યવસ્થિત અને પારદર્શક પ્રક્રિયા અમલમાં છે, જે ‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ‘ને પ્રોત્સાહન આપે છે.
એટલું જ નહીં, સરકાર દ્વારા આવશ્યક સેવાઓમાં હડતાલ પરના પ્રતિબંધને કારણે રાજ્યમાં ‘લેબર ડિસરપ્શન‘ (શ્રમ વિક્ષેપ)ની સ્થિતિ નહિવત્ છે. પરિણામે રાજ્યમાં ઉદ્યોગો માટે સુરક્ષિત અને સ્થિર શ્રમ વાતાવરણ ઉપલબ્ધ બન્યું છે.
વિશ્વસ્તરીય ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લગ-એન્ડ-પ્લે ઇકોસિસ્ટમ અને ‘વાઇબ્રન્ટ ગુજરાત‘થી રોકાણકારોનો વધ્યો વિશ્વાસ
રિપોર્ટ અનુસાર, ગુજરાતનું મજબૂત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણકારોને આકર્ષવામાં મહત્વનો ભાગ ભજવે છે. ધોલેરા SIR, GIFT City, સાણંદ, દહેજ, ઝઘડિયા અને સાયખા જેવા આધુનિક ઔદ્યોગિક ક્લસ્ટર્સ રોકાણકારોને વિશ્વસ્તરીય પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે, જેના પરિણામે ઉદ્યોગોની સ્થાપના અને સંચાલન વધુ ઝડપી તથા સરળ બન્યાં છે. આ જ મજબૂત ઇકોસિસ્ટમના બળે રાજ્યની દ્વિવાર્ષિક ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ‘ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષવામાં અત્યંત સફળ રહી છે.
લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીના ક્ષેત્રમાં પણ ગુજરાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. રાજ્યમાં દેશના કુલ સ્ટેટ હાઇવે નેટવર્કનો આશરે 10% હિસ્સો છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ ચાર ગણો વધુ છે. રાષ્ટ્રીય એક્સપ્રેસવેની સૌથી વધુ લંબાઈ (અંદાજિત 635 કિમી) ગુજરાતમાં છે, જ્યારે દેશના કુલ રેલ્વે નેટવર્કનો 7% ભાગ પણ રાજ્યમાં સ્થિત છે. રિપોર્ટ અનુસાર, ઓછા ટર્નઅરાઉન્ડ ટાઇમ અને કાર્યક્ષમ લોજિસ્ટિક્સ વ્યવસ્થાને કારણે રાજ્યની સપ્લાય ચેઇન વધુ સ્પર્ધાત્મક બની છે.
29% સસ્તી વીજળી અને અવિરત વીજ પુરવઠાથી ઉદ્યોગોને ખર્ચમાં રાહત
રિપોર્ટમાં ગુજરાતના પાવર સેક્ટરને પણ રોકાણ આકર્ષવામાં મહત્વપૂર્ણ પરિબળ તરીકે દર્શાવવામાં આવ્યો છે. રાજ્યમાં ઔદ્યોગિક ગ્રાહકો માટે વીજળીની કિંમત રાષ્ટ્રીય સરેરાશ કરતાં આશરે 29% ઓછી છે. ઉપરાંત, રાજ્યમાં સરેરાશ દરરોજ 23.8 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે છે, જે મોટા રાજ્યોની સરેરાશ કરતાં વધુ છે. સ્પર્ધાત્મક વીજ દરો અને વિશ્વસનીય વીજ પુરવઠાના કારણે ગુજરાત ઉદ્યોગો માટે વધુ અનુકૂળ બન્યું છે.
નિકાસમાં 31% યોગદાન, મજબૂત MSME ઇકોસિસ્ટમ અને નાણાકીય શિસ્ત ગુજરાતની વિશેષતા
રિપોર્ટ અનુસાર, ગુજરાતનો મજબૂત આર્થિક પાયો પણ રોકાણકારોના વિશ્વાસ માટે મહત્વપૂર્ણ પાસું છે. ભારતની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસમાં રાજ્યનો 31% હિસ્સો છે, જ્યારે નાણાકીય વર્ષ 2019-24 દરમિયાન ગુજરાતનો GSDP વૃદ્ધિ દર દેશમાં ત્રીજા ક્રમે રહ્યો હતો. રાજ્યનો પ્રતિ વ્યક્તિ GSDP ₹2,64,232 છે, જે મોટા રાજ્યોની સરેરાશ કરતાં 67% વધુ છે. આ ઉપરાંત, ગુજરાતના MSME ક્ષેત્રમાં માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝિસ (MSEs)ની મજબૂત હાજરી (દેશભરમાં ચોથા ક્રમે) છે, જે રાજ્યમાં ગતિશીલ અને સ્થિતિસ્થાપક ઔદ્યોગિક ઇકોસિસ્ટમના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
નાણાકીય વ્યવસ્થાપનના ક્ષેત્રમાં પણ ગુજરાતે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. નાણાકીય વર્ષ 2024માં રાજ્યની રાજકોષીય ખાધ GSDPના માત્ર 2.81% રહી, જે તમામ રાજ્યોમાં સૌથી ઓછી છે. જ્યારે રાજ્યની કુલ દેવાદારી GSDPના આશરે 18% છે, જે મોટા રાજ્યોની સરેરાશ કરતાં લગભગ 40% ઓછી છે. રાજ્યની આ મજબૂત નાણાકીય શિસ્ત રોકાણકારોને લાંબા ગાળાની સ્થિરતાનો વિશ્વાસ આપે છે.
614 અટલ ટિંકરિંગ લેબ્સથી નવીનતા આધારિત ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મળ્યો વેગ
ગુજરાતની ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પણ રોકાણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પરિબળ છે. નાણાકીય વર્ષ 2025 સુધીમાં રાજ્યમાં 614 અટલ ટિંકરિંગ લેબ્સ (ATLs)ની સ્થાપના કરવામાં આવી છે. પ્રતિ એક લાખની વસ્તીએ 1.24 ATLs સાથે ગુજરાત મોટા રાજ્યોની સરેરાશ કરતાં આશરે 19% આગળ છે. પરિણામે, નવીનતા આધારિત ઉદ્યોગો અને ભાવિ ટેક્નોલૉજીના વિકાસ માટે મજબૂત પાયો તૈયાર થયો છે.
