મુશળધાર વરસાદ વચ્ચે પણ અમદાવાદની લાઇફલાઇન બની BRTS-AMTS: મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા
File Photo
વરસાદી સંકટમાં BRTS-AMTSનું સતત ઓપરેશન: રિયલ ટાઇમ મોનિટરિંગથી ઝડપી નિર્ણયો, સ્ટેશનો બન્યા મુસાફરોના આશ્રયસ્થાન
અમદાવાદમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા અતિભારે વરસાદ વચ્ચે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (AJL) દ્વારા સંચાલિત BRTS અને AMTSએ મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા સતત સેવા જાળવી રાખી હતી.
BRTSની બસ સેવાઓ દરરોજ સવારે 6:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી નિયમિત રીતે સંચાલિત કરવામાં આવી હતી, જ્યારે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (AJL)ની ફિલ્ડ ટીમો સમગ્ર વરસાદી પરિસ્થિતિ દરમિયાન સતત મેદાનમાં તૈનાત રહી માર્ગોની સ્થિતિ પર નજર રાખી રહી હતી. BRTSના ફિલ્ડ સ્ટાફ અને રૂટ પર કાર્યરત ડ્રાઇવરો દ્વારા વિવિધ માર્ગોની સ્થિતિ અંગે રિયલ ટાઇમ માહિતી અમદાવાદ જનમાર્ગના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને પહોંચાડવામાં આવતી હતી. આ માહિતીના આધારે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની વિગતો તાત્કાલિક સંબંધિત ઝોનલ ટીમોને મોકલવામાં આવતાં પાણી ભરાવાના સ્થળોએ ઝડપી પ્રતિસાદ આપવો શક્ય બન્યો હતો.
પરિણામે ઝોનલ ટીમોને સમયસર ડાયવર્ટ કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને નિકાલની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી હતી. એરપોર્ટ, રેલવે સ્ટેશન, ગીતામંદિર બસ સ્ટેન્ડ તેમજ રાણીપ GSRTC બસ સ્ટેશન જેવા મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ પોઇન્ટ પરથી બસ સેવાઓ કાર્યરત રાખી મુસાફરોને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
વરસાદી પરિસ્થિતિ દરમિયાન BRTSના ફિલ્ડ સ્ટાફ અને રૂટ પર કાર્યરત ડ્રાઇવરો દ્વારા વિવિધ માર્ગોની સ્થિતિ અંગે સતત રિયલ ટાઇમ માહિતી અમદાવાદ જનમાર્ગના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને પહોંચાડવામાં આવી હતી. આ માહિતીના આધારે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની વિગતો તાત્કાલિક સંબંધિત ઝોનલ ટીમોને મોકલવામાં આવતાં પાણી ભરાવાના સ્થળોએ ઝડપી પ્રતિસાદ આપવો શક્ય બન્યો હતો. પરિણામે ઝોનલ ટીમોને સમયસર ડાયવર્ટ કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને નિકાલની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી હતી.
રિયલ ટાઇમ મોનિટરિંગ વ્યવસ્થાના કારણે બસ રૂટના સંચાલન અંગે પણ ત્વરિત નિર્ણયો લેવામાં આવ્યા હતા. જ્યાં વધુ પાણી ભરાવાને કારણે મુસાફરોની સલામતી જોખમાય તેવી સ્થિતિ હતી ત્યાં સલામતીને ધ્યાનમાં રાખીને કેટલીક રૂટ પર બસ સંચાલન મર્યાદિત અથવા અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવ્યું હતું, જેથી કોઈ પણ મુસાફર જોખમી પરિસ્થિતિમાં ફસાઈ ન જાય.
અમદાવાદ જનમાર્ગ લિમિટેડની ફિલ્ડ ટીમો છેલ્લા બે દિવસ દરમિયાન ચોવીસે કલાક મેદાનમાં તૈનાત રહી હતી. મુસાફરોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને રૂટ ઓપરેશન અંગે સતત નિર્ણય લેવામાં આવ્યા હતા, જ્યારે AJLના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખીને સંકલિત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.
જે વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી ત્યાં BRTSના કોરિડોરને મિશ્ર વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના કારણે સામાન્ય નાગરિકો પાણી ભરાયેલા રસ્તાઓને ટાળી સરળતાથી અવરજવર કરી શક્યા હતા. ઉપરાંત ભારે વરસાદ દરમિયાન અનેક નાગરિકો માટે BRTS સ્ટેશનો સુરક્ષિત આશ્રયસ્થાન પણ બન્યા હતા, જ્યાં વરસાદથી બચવા માટે લોકોને તાત્કાલિક આશરો આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કામગીરી દરમિયાન એક સ્થળે ઇલેક્ટ્રિક સ્પાર્કિંગની ઘટના સર્જાતા ફરજ પરના સુરક્ષા કર્મચારીએ પોતાની સતર્કતા અને અગાઉ આપવામાં આવેલી ફાયર એન્ડ સેફ્ટી તાલીમના આધારે ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને તાત્કાલિક આગની શક્યતા ટાળી દીધી હતી. કર્મચારીની સમયસૂચકતા અને તાલીમના પરિણામે કોઈ અનિચ્છનીય ઘટના બનતી અટકાવવામાં સફળતા મળી હતી.
અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે BRTS અને AMTS બંને સેવાઓ નાગરિકોને સુરક્ષિત અને આરામદાયક મુસાફરી ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે સતત કાર્યરત છે. વરસાદી પરિસ્થિતિ દરમિયાન કેટલીક રૂટ પર સેવા મર્યાદિત રાખવી પડી હોય અથવા મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હોય તો તે માત્ર મુસાફરોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના હેતુથી લેવામાં આવેલા નિર્ણયો હતા.
જોખમી માર્ગો પર બસ સંચાલન ચાલુ રાખીને મુસાફરોને મુશ્કેલીમાં મુકવા કરતાં સલામતીને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હતું, અને ભવિષ્યમાં પણ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ સુરક્ષિત, વિશ્વસનીય અને જવાબદાર જાહેર પરિવહન સેવા આપવા માટે પ્રતિબદ્ધ રહેશે.
