Western Times News

Gujarati News

અમદાવાદમાં 20 વોટરલોગિંગ સ્થળોએ AMCએ 24 ટીમો તૈનાત કરી 141 કેચપિટ અને 85 મેનહોલ ખુલ્લા કરાયા

અમદાવાદમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે AMCની ઝોનવાઈઝ સઘન કામગીરી

પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ ઝોન સુધી વોટરલોગિંગના સ્થળોએ યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદના પગલે સર્જાયેલી પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ ઝોનમાં યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. તા. 25 જુલાઈ, 2026ના સવારે 6:00 વાગ્યાની સ્થિતિ મુજબ શહેરના કુલ 10 વોર્ડના 20 વોટરલોગિંગ સ્થળો પર AMCની 24 ટીમો સતત કામગીરી કરી રહી છે. પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે શહેરભરમાં કુલ 141 કેચપિટ અને 85 મેનહોલ ખોલવામાં આવ્યા છે, જેના પરિણામે વરસાદી પાણીના નિકાલની કામગીરી વધુ અસરકારક રીતે કરવામાં આવી રહી છે.

પૂર્વ ઝોનમાં સૌથી વધુ 4 વોર્ડના 6 સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ નોંધાઈ હતી. અહીં AMC દ્વારા 6 કર્મચારીઓની ટીમ તૈનાત કરી કુલ 59 કેચપિટ તથા 25 મેનહોલ ખોલી વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં હાલમાં પાણી ભરાવાની કોઈ ઘટના નોંધાઈ નથી. તેમ છતાં, તકેદારીના ભાગરૂપે 3 કર્મચારીઓની ટીમ મેદાનમાં કાર્યરત છે અને જરૂરિયાત મુજબ કામગીરી માટે 20 કેચપિટ તથા 13 મેનહોલ ખુલ્લા રાખી પાણીના નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

પશ્ચિમ ઝોનમાં 3 વોર્ડના 5 સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા AMC દ્વારા 6 કર્મચારીઓની ટીમ તૈનાત કરી 7 કેચપિટ અને 2 મેનહોલ ખોલી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત પશ્ચિમ ઝોનમાં ચંદલોડિયા તળાવમાં પાણીનું સ્તર ઘટતાં પાંચ પમ્પ સાઇટ પરથી હટાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય સ્થળોએ પમ્પ મારફતે પાણીના નિકાલની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ખાનગી પરિસરોમાં (Private Premises) પણ કાઉન્ટર પમ્પની મદદથી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ શકે.

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 2 વોર્ડના 7 સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સામે AMC દ્વારા 7 કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. અહીં પાણીના નિકાલ માટે કુલ 46 કેચપિટ અને 36 મેનહોલ ખોલી અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 1 વોર્ડના 2 સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ નોંધાઈ હતી. અહીં AMCની 2 કર્મચારીઓની ટીમ તૈનાત કરી કુલ 9 કેચપિટ અને 9 મેનહોલ ખોલી વરસાદી પાણીના ઝડપી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આમ, શહેરના વિવિધ ઝોનમાં પાણી ભરાવાની સ્થિતિ પર સતત નજર રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેદાની ટીમો, કેચપિટ અને મેનહોલ ખોલવાની કામગીરી તેમજ પમ્પિંગ વ્યવસ્થાના માધ્યમથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને AMCનું તંત્ર સતત એલર્ટ મોડમાં રહી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો ઝડપથી નિકાલ થાય અને નાગરિકોને તાત્કાલિક રાહત મળી રહે તે માટે 24 કલાક કામગીરી કરી રહ્યું છે. (આ આંકડા શનિવાર સવારના ૬.૦૦ વાગ્યા સુધીના છે)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.