વલસાડ જિલ્લામાં છેલ્લા 30 વર્ષના મોસમના સરેરાશ કરતા આ વર્ષે 90.98 ટકા સરેરાશ વરસાદ વરસ્યો
દક્ષિણ ગુજરાતમાં બચાવ કામગીરી પૂર્ણતાના આરે: હવે રાહત અને પુનઃસ્થાપન પર ફોકસ વધાર્યું છે.
નવસારીમાં ૯૫.૧૩ ટકા સરેરાશ વરસાદ થયો.*
* *હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં મધ્ય ગુજરાત -ઉત્તર ગુજરાત – અમદાવાદ – સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક-વ્યાપક વરસાદની આગાહીને પગલે સંબંધિત જિલ્લા તંત્રને સંપૂર્ણ એલર્ટ મોડ પર રહેવા સૂચના.*
અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં ૪૦,૫૦૦ લોકોનું સ્થળાંતર અને ૬૩૬૭ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
* *૩૬૫ માર્ગો પુર્વવત કરાયા – સુરત-વલસાડ અને નવસારીમાં માર્ગોના કામોના મોનિટરીંગ અને માર્ગદર્શન માટે ચિફ એન્જિનીયર અને ઓ.એસ.ડી.ને ખાસ ફરજ સોંપવામાં આવી.*
* *૨૨૫ જે.સી.બી., ૧૫૦૦થી વધુ મશીનરી સાથે ૧૫૦૦ જેટલા કર્મચારીઓ માર્ગો પુર્વવત કરવામાં સેવારત.*
* *સમગ્ર રાજ્યમાં એન.ડી.આર.એફ.ની ૧૭ અને એસ.ડી.આર.એફ.ની ૩૨ ટીમો બચાવ-રાહત કાર્યોમાં જોડાઈ.*
* *અસરગ્રસ્તો માટે કેશડોલ્સ અને ઘરવખરી સહાય માટે કુલ રૂ. 40 કરોડની ફાળવણી.*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.
આ સમીક્ષા બેઠકમાં તેમણે રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિ, બચાવ-રાહત કામગીરી તેમજ વીજળી, રસ્તાઓ અને પુરવઠા જેવા મૂળભૂત માળખાકીય સુવિધાના પુનઃસ્થાપન અંગે જે-તે વિભાગના સચિવો પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં હાલ ૫ વરસાદી સિસ્ટમ સક્રિય છે. તેના કારણે આગામી ૩-૪ દિવસ સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યમાં વિવિધ સ્થળોએ રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારોના જિલ્લા કલેક્ટરો અને વહિવટી તંત્રને હાઈ એલર્ટ મોડ પર રહેવા સૂચનાઓ આપી હતી.
સમગ્ર રાજ્યમાં વરસેલા વરસાદની જાણકારી આપતા રાહત કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય સરેરાશ વરસાદ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ અને નવસારી જિલ્લામાં તો છેલ્લા ૩૦ વર્ષના મોસમના સરેરાશ વરસાદ કરતા આ વર્ષે અત્યાર સુધીમાં ૯૦.૯૮ ટકા અને ૯૫.૧૩ ટકા સરેરાશ વરસાદ થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ આશરે ૨૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
રાજ્ય સરકારે નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપ્યું છે અને અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ ૪૦,૫૦૦ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તથા ૬૩૬૭ લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા બચાવ કામગીરી પૂર્ણતાના આરે છે. વલસાડ ખાતે રેસ્ક્યુ પૂર્ણ થતાં NDRFની ટીમ ૧૫ બોટ સાથે અમદાવાદ રવાના કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં એન.ડી.આર.એફ.ની કુલ ૧૭ અને એસ.ડી.આર.એફ.ની ૩૨ ટીમો સ્થાનિક પ્રશાસનની મદદમાં છે. ઉત્તર ગુજરાતમાં સંભવિત સ્થિતિ માટે NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
એટલું જ નહિ, બચાવ કામગીરી માટે આર્મીની ૨ ટુકડી અમદાવાદ, ૨ વલસાડ અને ૨ નવસારીમાં તૈનાત કરવામાં આવી છે તથા ૪ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ વધુ વિગતો આપતાં આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, બચાવ કામગીરી પૂર્ણ થવાની સાથે જ હવે રાહત અને પુનઃસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો સહિતના વિસ્તારોમાં અસરગ્રસ્તોને કેશડોલ્સ અને ઘરવખરી સહાય માટે કુલ રૂ. ૪૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે, વલસાડમાં સહાય ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને નવસારીમાં પાણી ઓસરતાં જ આ કામગીરી હાથ ધરવામાં આવશે.
વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ પૈકી ૩૬૫ રસ્તાઓ પુર્વવત કરી દેવામાં આવ્યા છે. રસ્તાઓની મરામત માટે ૨૨૫ જેસીબી, ૧૫૦૦થી વધુ મશીનરી અને ૧૫૦૦ કર્મચારીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં રસ્તાના મરામતની કામગીરીના મોનિટરિંગ અને માર્ગદર્શન માટે ૧ ચીફ એન્જિનિયર અને ૧ ઓ.એસ.ડી.ને ખાસ ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત ડિઝાઇન એક્સપર્ટ્સની ૬ ટીમ પણ કાર્યરત છે.
ભારે વરસાદને કારણે સબસ્ટેશનોમાં કે જે-તે વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અથવા ક્ષતિના કારણે ખોરવાયેલો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા ઊર્જા વિભાગની ૩૫૦ ટીમો અને ૧૦૦૦ વધુ વીજ કર્મીઓ સેવારત છે. મોટા ભાગના ગામોમાં શુક્રવારે મોડી રાત સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે તેમ ઉર્જા અગ્ર સચિવશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું.
પૂરના પાણી ઓસરી ગયા બાદ સંભવિત રોગચાળો અટકાવવા માટે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક સફાઈ અભિયાન કેમ્પેઈન મોડમાં હાથ ધરવા માટે પણ મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપી હતી.
મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસે જે વિસ્તારોમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે તે જિલ્લાઓને સંપૂર્ણ સજ્જતા સાથે કાર્યરત રહેવા અને લોકોમાં વરસાદને લઈને કોઈ ડર ન ફેલાય તે માટે સોશિયલ મિડિયા સહિતના માધ્યમોથી વખતો-વખત માહિતગાર કરતા રહેવા સૂચન કર્યુ હતું.
આ સમીક્ષા બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. શ્રીમતી જયંતી રવિ, સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન શ્રી મુકેશ પુરી, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર સહિત સંબંધિત વિભાગોના અગ્ર સચિવશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ શ્રી ડૉ. અજય કુમાર તથા એન.ડી.આર.એફ. અને આર્મીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
