પતિ ગુમાવ્યાના આઘાત વચ્ચે પણ પત્નીની મહાનતા: પશ્ચિમ બંગાળના દર્દીના અંગદાનથી ૩ લોકોને મળ્યું નવું જીવન
આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા અને અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ અંગદાતા પરિવારને નમન કરી ટીમને બિરદાવી
અમદાવાદ, સિવિલ હોસ્પિટલે અંગદાન અને માનવસેવા ક્ષેત્રે વધુ એક સુવર્ણ અધ્યાય લખતાં ૨૫૦મા અંગદાનનો ગૌરવપૂર્ણ માઇલસ્ટોન પૂર્ણ કર્યો છે. મૂળ પશ્ચિમ બંગાળના અને રોજગાર અર્થે અમદાવાદમાં રહેતા ૫૮ વર્ષીય પ્રશુન ભોમિક બ્રેઈનડેડ જાહેર થતાં તેમના પરિવારે માનવતાવાદી નિર્ણય લીધો હતો. પરિવારની સંમતિથી પ્રાપ્ત થયેલા ૧ લીવર અને ૨ કિડનીના દાન થકી ૩ ગંભીર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.
મૂળ પશ્ચિમ બંગાળના અને અમદાવાદની હોટેલમાં વેઇટર તરીકે કામ કરતા ૫૮ વર્ષીય પ્રશુન ભોમિક ઘરે બાથરૂમમાં અચાનક પડી જતાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આઇસીયુ (ICU) માં બે દિવસ સુધી સઘન સારવાર આપવા છતાં કોઈ સુધારો ન થતાં, તબીબોની ટીમે ૨૬ જુલાઈના રોજ તેમને ‘બ્રેઇનડેડ‘ જાહેર કર્યા હતા.
જીવનસાથી ગુમાવવાના અસહ્ય આઘાત વચ્ચે પણ સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવતના કાઉન્સેલિંગ બાદ, પ્રશુનભાઈના ધર્મપત્ની શ્રીમતી ક્ષમાબેને અન્ય દર્દીઓની જિંદગી બચાવવા માટે પતિના અંગોનું દાન કરવાનો અત્યંત માનવતાભર્યો નિર્ણય લીધો હતો. દાનમાં પ્રાપ્ત થયેલા અંગોનું પ્રત્યારોપણ- Transplant) સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝિસ એન્ડ રિસર્ચ સેન્ટર‘ (IKDRC) ખાતે સારવાર હેઠળના જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે.
આ ઐતિહાસિક સિદ્ધિ અંગે આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ૨૫૦મા અંગદાનનો માઇલસ્ટોન હાંસલ કરવો એ સમગ્ર ગુજરાત માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ‘અંગદાન મહાદાન‘નો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે. પોતાના સ્વજનને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ અંગદાનનો નિઃસ્વાર્થ નિર્ણય લેનાર દરેક પરિવારને હું હૃદયપૂર્વક વંદન કરું છું અને સિવિલ હોસ્પિટલની સમગ્ર અંગદાન ટીમ તથા તબીબોને હાર્દિક અભિનંદન પાઠવું છું.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આ ૨૫૦મું અંગદાન માત્ર એક આંકડો નથી, પરંતુ સમાજમાં વધતી જતી જાગૃતિ, તબીબો પ્રત્યેનો જનવિશ્વાસ અને નિઃસ્વાર્થ સેવાભાવનું પ્રતીક છે.
તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલ ખાતે ૨૫૦ અંગદાતાઓ પાસેથી કુલ ૮૨૭ અંગોનું દાન પ્રાપ્ત થયું છે; જેમાં ૨૨૪ લીવર, ૪૬૨ કિડની, ૨૧ સ્વાદુપિંડ Pancreas, ૭૮ હૃદય, ૩૪ ફેફસાં, ૬ હાથ –Hands અને ૨ નાનાં આંતરડાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૯૮ ચક્ષુ Eyes અને ૪૮ ચામડી Skin મળી કુલ ૨૪૬ પેશીઓનું દાન મળતાં, આજદિન સુધી હોસ્પિટલને કુલ ૧૦૭૩ અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે.
