DRDOને મોટી સફળતા: લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ
નવી દિલ્હી, ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે ભારતમાં હથિયારો વિકસીત કરતી સંસ્થા ડીઆરડીઓને એક મોટી સફળતા મળી છે. ડીઆરડીઓ દ્વારા આજે લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ છે.ભારતીય સેનામાં વપરાતી અર્જુન ટેન્ક પરથી આ ગાઈડેડ મિસાઈલ લોન્ચ કરવામાં આવ્યુ હતુ.સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ સફળતા માટે ડીઆરડીઓને અભિનંદન આપ્યા છે.મહારાષ્ટ્રના અહેમદનગર ખાતે આવેલી કે કે રેન્જમાં આ પરિક્ષણ કરાયુ હતુ. ડીઆરડીઓના કહેવા પ્રમાણે આ મિસાઈલ ત્રણ કિલોમીટરના અંતર સુધી ટાર્ગેટને નિશાન બનાવી શકે છે.તેને એક કરતા વધારે લોન્ચ પ્લેટફોર્મ પરથી ઉપયોગમાં લઈ શકાય છે.હાલમાં તેનો ઉપયોગ ટેન્ક પરથી કરવા માટેના અખતરા ચાલી રહ્યા છે. રાજનાથસિંહે કહ્યુ હતુ કે, ભારતને ડીઆરડીઓ પર ગર્વ છે.આ પ્રકારની ટેકનોલોજીથી દેશની આયાત પરની નિર્ભરતા ઓછી થશે.