Western Times News

Gujarati News

મહારાજા સમોસા સેન્ટર સહિત ત્રણ દુકાનોમાં આગ

અમદાવાદ: શહેરના નવરંગપુરા સ્ટેડિયમ રોડ પાસે આવેલી મહારાજા સમોસા સેન્ટર સહિત ત્રણ દુકાનોમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ પર કાબુ મેળવા માટે ફાયર વિભાગની ૧૮ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ કરી હતી. આ ભીષણ આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી સામે આવ્યું નથી. આ આગમાં અંદર ફસાયેલા ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગ એટલી ભીષણ હતી કે આસપાસનાં વિસ્તારોમાં ડરનો માહોલ છવાયો હતો. આગની વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિકો મોટી સંખ્યામાં અહીં આવી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં લાઈફ કેર હોસ્પિટલની બાજુના એક કોમ્પ્લેક્સમાં મમહારાજ સમોસા સેન્ટર સહિત ત્રણ દુકાનોમાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ૧૮ ગાડીએ ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને આગ પર કાબૂ પણ મેળવી લીધો હતો.

અમદાવાદનાં ચીફ ફાયર ઓફિસર, રાજેશ ભટ્ટનાં જણાવ્યાં પ્રમાણે, ત્રણ દુકાનો એકસાથે છે તેમાં આગ લાગી છે. શોર્ટસર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે. નીચે દુકાનો છે અને ઉપર રેસિડન્સ હતા. દુકાનની ઉપર ચાર મહિલા અને ચાર પુરુષ ફસાયા હતા, આ ૮ લોકોને સહી સલામત બહાર લાવવામાં આવ્યા છે.

વહેલી સવારે આશરે ૬.૨૨ કલાકે, ફાયર બ્રિગેડને જાણ થતા જ ફાયર બ્રિગેડની ૧૮ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ આગ પર કાબુ મેળવવા માટે એક લાખથી વધુ લીટર પાણીનો મારો ચલાવાયો હતો.

ફાયર બ્રિગેડનું માનવું છે કે, એક દુકાનમાં આગ લાગતાં આગ અન્ય બેથી ત્રણ દુકાનોમાં પ્રસરી હતી. દુકાનોનો માલ પણ બળીને ખાખ થઈ જતા લાખોનું નુકશાન હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું. જ્યારે ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે દુકાનની ઉપર જ રહેતા ૪ લોકો અંદર ફસાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.