Western Times News

Gujarati News

ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાની ન્યાયિક તપાસ નહીં થાય

નવીદિલ્હી, ખેડૂત આંદોલનને ધ્યાને લઈ ૨૬ જાન્યુઆરીએે દેશની રાજધાની દિલ્હીમાં યોજાયેલી ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા બાદ થયેલી અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ. બોબડેની આગેવાનીવાળી બેન્ચે બુધવારે અલગ-અલગ અરજીઓની સુનાવણી કરી.

આ દરમિયાન કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ મામલાને ગંભીરતાથી લીધી છે એન તેઓ પોતાનું કામ કરી રહ્યા છે. સીજેઆઇ એસ.એ. બોબડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમણ્યનની બેન્ચે આ અરજીઓ પર સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને કહ્યું કે તેઓ આ સંબંધમાં કેન્દ્ર સરકારને પોતાની રજૂઆત સોંપી શકે છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસાના મામલાની તપાસ માટે પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી એક પેનલ રચવાની અરજી પર વિચાર કરવાનો ઇન્કાર કરી દીધો.

સુપ્રીમ કોર્ટની સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીઓમાં એક અરજદાર વિશાલ તિવારી દ્વારા દાખલ અરજીમાં સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના તપાસ આયોગની રચના કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. આ આયોગ આ મામલામાં પુરાવાઓ એકત્ર કરવા તથા તેને રેકોર્ડ કરે અને સમયબદ્ધ રીતે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરે તેવી માંગ કરવામાં આવી હતી. ત્રણ સભ્યોના આ આયોગમાં સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત ન્યાયાધીશને સામેલ કરવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો હતો.

અન્ય એક અરજદાર મનોહર લાલ શર્માએ દાવો કર્યો હતો કે ખેડૂતોના વિરોધ પ્રદર્શનની વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું અને કોઈ પુરાવા વગર ખેડૂતોને કથિત રીતે આતંકવાદ કહેવામાં આવ્યા. શર્માએ કેન્દ્ર અને મીડિયાને નિર્દેશ જાહેર કરી કોઈ પ્રમાણ વગર ખોટા આરોપ લગાવવા અને ખેડૂતોને આતંકવાદી કહેવાથી રોકવાનો અનુરોધ કર્યો છે. કોર્ટે આ અરજીને પણ ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓને પરત લેવાની માંગના પક્ષમાં ૨૬ જાન્યુઆરીએ હજારોની સંખ્યામાં ખેડૂતોએ ટ્રેક્ટર પરેડ યોજી હતી, પરંતુ થોડીવારમાં દિલ્હીના રસ્તાઓ પર અરાજક્તા ફેલાઈ ગઈ. અનેક સ્થળે પ્રદર્શનકર્તાઓએ પોલીસના અવરોધોને તોડી દીધા અને પોલીસની સાથે પણ ઘર્ષણમાં ઉતર્યા. પ્રદર્શનમાં સામેલ લોકોએ વાહનોમાં તોડફોડ કરી અને લાલ કિલ્લા પર એક ધાર્મિક ધ્વજ પણ લગાવ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.