Western Times News

Gujarati News

નવા સીમાંકન બાદ વટવામાં સમીકરણ બદલાયા

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, “વટવા વિકાસની દૃષ્ટિએ પછાત વિસ્તાર છે” આ વાક્ય૨૦૦૫માં ચૂંટણી જીતેલા ભાજપના કોર્પાેરેટર દેવેન્દ્રભાઈ ભટ્ટ જાહેરમાં બોલ્યા હતા જેના તીવ્ર પ્રત્યાઘાત પડ્યા હતા તથા ત્યારબાદ દેવેન્દ્ર ભટ્ટની બાદબાકી થતી રહી છે. ભાજપના કોર્પાેરેટર દ્વારા બોલવામાં આવેલ આ વાક્ય આજે પણ કેટલાક અંશે સત્ય જ છે. ૧૯૮૬-૮૭ની સાલમાં મ્યુનિ.હદમાં સમાવિષ્ટ થયેલ વટવા વોર્ડમાં વિકાસના કામ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન જ થયા છે. જ્યારે નવા સીમાંકનનો લાભ ભાજપને વધુ મળે તેમ હોવાથી વટવામાં ભાજપની સ્થિતિ વધુ મજબુત બની છે.

મ્યુનિ.કોર્પાેરેશનની હદમાં ૩૫ વર્ષ અગાઉ ભેળવાયેલ વટવા વોર્ડમાં છેલ્લા એક દાયકાથી ભાજપનો દબદબો રહ્યો છે. જ્યારે છએલ્લા પાંચ વર્ષથી વિકાસના કામો થઈ રહ્યાં છે. જે સ્થાનિક ધારાસભ્ય અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આભારી છે. મ્યુનિ. હદમાં સમાવેશ થયો તે સમયે ભૌગોલિક દૃષ્ટિએ પણ વટવાનો વિકાસ કરવો અત્યંત મુશ્કેલ હતું. વટવા (ગેબનશા) કેનાલથી વટવા ગામ, વિંઝોલ, વિવેકાનંદનગર, ગેરતપુર ક્રોસીંગ તથા જશોદાનગરને વટવા વોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વટવા જી.આઈ.ડી.સી.ના કારણે પણ પ્રદૂષિત હવા-પાણીની સમસ્યા કાયમી બની ગઈ છે. ૨૦૧૦ના નવા સીમાંકન બાદ હાથીજણ વિવેકાનંદનગરના વિસ્તારની વટવામાંથી બાદબાકી થઈ હતી. જ્યારે ૨૦૨૧ના સીમાંકનમાં લાંભા (પૂર્વ)ના ૧૫ હજાર મતદારોનો વટવામાં સમાવેશ થયો છે. જેના કારણે ભાજપની સ્થિતિ મજબુત બની છે.

દાવેદારી
વટવામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે હમેશા કાંટેકી ટક્કર રહે છે. ૨૦૧૦ના નવા સીમાંકન બાદ વટવામાં ભાજપનો દબદબો વધ્યો છે. તથા છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપની પેનલની જીત થઈ છે. ૨૦૨૧માં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની છે તેની સાથે પ્રજાની અપેક્ષા પણ વધી છે. વટવામાં ઉમેદવાર પસંદગી “સેન્સ”માં તમામ કોર્પાેરેટરો અને કાર્યકરોએ પ્રદિપસિંહ જાડેજાના નિર્ણયને “અંતિમ” માનવામાં આવશે તેવી રજૂઆત કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. જાેકે, વર્તમાન પેનલમાંથી પુષ્પાબેન મિસ્ત્રી નવા માપદંડમાં ઉંમરના દાયરામાં આવી જાય છે. જ્યારે પંકજસિંહ સોલંકીને ૬૦ વર્ષ પૂર્ણ થવામાં બે મહિના બાકી છે. જાેકે, ૨૦૧૫માં ભાજપાએ ગીરીશભાઈ પટેલને ટિકિટ ફાળવી હતી. પરંતુ ટેકનીકલ કારણોસર તેમનું ફોર્મ રદ થતા ડમી ફોર્મ ભરનાર પંકજસિંહ સોલંકીના નસીબ ખુલી ગયા હતાં. વર્તમાન કોર્પાેરેટર જલ્પાબેન પંડ્યા વટવાના પૂર્વ કોર્પાેરેટર ગીરીશભાઈ પંડ્યાના પૂત્રવધુ છે. તેમની પહેલી ટર્મ હોવાથી રીપીટ થવાની શક્યતા રહે છે.
કોંગ્રેસ માટે વટવામાં અતુલ પટેલ મજબુત ઉમેદવાર રહ્યા હતા. ૨૦૧૦ના સીમાંકન બાદ તેમણે વોર્ડ અને ત્યારબાદ પક્ષ પણ છોડ્યો હોવાથી કોંગ્રેસની સ્થિતિ નબળી પડી છે. ૨૦૨૧માં કોંગ્રેસ વધુ એક વખત ટક્કર આપવા તૈયારી કરી રહી છે. લાંભાના પૂર્વ કોર્પાેરેટર કૈલાસબેન ઠાકોરે કોંગ્રેસ વટવામાંથી ટીકીટ આપે તેવી શક્યતા છે.  તદઉપરાંત અનિલભાઇ ઠાકોર, જુલુભાઇ બુખારી, અકબર અલી બુખારી, કાર્તિક યાદવ, ભાવેશ પટેલ, દૃષ્ટિ પટેલ અને ભવાની પટેલને મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

 

આંકડાકીય સમીકરણ
વટવા વોર્ડમાં ૨૦૧૫ની મ્યુનિ.ચૂંટણી સમયે ૯૩૬૦૬ મતદાર હતા. જ્યારે ૨૦૨૧માં મતદારોની સંખ્યા ૧,૨૬,૪૦૪ થઈ છે. જેમાં ૬૭૪૦૯ પુરુષ અને ૫૮૬૦૨ સ્ત્રી મતદારો છે. જ્યારે અન્ય મતદારોની સંખ્યા ત્રણ છે. નવા સીમાંકન બાદ લાંભા (પૂર્વ) વોર્ડના ૧૫ હજાર મતદારોનો સમાવેશ વટવામાં થયો છે. તેથી ૨૦૧૫ની સરખામણીએ ૨૦૨૧માં વટવામાં ૩૨૦૪૮ મતદારોનો વધારો થયો છે. જે અમદાવાદના તમામ વોર્ડમાં સૌથી વધુ છે. જ્ઞાતી સમીકરણ મુજબ મતદારોની સંખ્યા પર દૃષ્ટિમાન કરીએ તો વટવામાં ૧૭ હજાર મત પટેલ સમાજના છે. જ્યારે લઘુમતી સમાજના ૩૦ હજાર, ઓબીસી જ્ઞાતીના ૩૫ હજાર, હિન્દી ભાષી સમાજના ૦૭ હજાર મત છે. ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ વટવામાં અનુસૂચિત જાતિના ૨૭૩૮ મત (૨.૨૫ ટકા), અનુસૂચિત આદિજાતિના ૧૩૧૬ (૧.૦૮ ટકા) તથાપછાત વર્ગના ૨૫૫૬૮ (૨૦.૯૮ ટકા) વસ્તી હતી. દસ વર્ષમાં તેમાં વધારો થયો હોય તે નિશ્ચિત છે. ૨૦૧૦માં બે મહિલા બેઠકો જનરલ કેટેગરી માટે હતી. તથા બે પૈકી એક પુરુષ બેઠક પછાત વર્ગ જ્ઞાતિ સમૂહ માટે અનામત રાખવામાં આવી હતી. જ્યારે ૨૦૨૧માં તમામ ચારેય બેઠકો સામાન્ય જાહેર કરવામાં આવી છે. ૨૦૧૫ની ચૂંટણીમાં જલ્પાબેન પંડ્યાને ૧૭૮૫૫, પુષ્પાબેન મિસ્ત્રીને ૧૫૩૨૩, પ્રવિણ મોદીને ૧૫૧૬૦ તથા પંકજસિંહ સોલંકીને ૧૬૨૭૬ મત મળ્યા હતા. ૨૦૧૫માં વટવામાં ૪૦૮૪૪ મતદારોએ મતદાન કર્યું હતું. જેની ટકાવારી ૪૩.૬૩ ટકા થાય છે.

સમસ્યા

વટવા વોર્ડમાં સૌથી મોટી સમસ્યા ડ્રેનેજ બેકીંગની છે. નવાણા પમ્પીંગ સ્ટેશનમાં કેપેસીટી કરતા વધુ આવક થતી હોવાથી ગટરના પાણી આસપાસના સોસાયટીઓમાં ફરી વળે છે. જીઆઈડીસીના કારણે કેમીકલયુક્ત પાણી અને ઝેરી ગેસની સમસ્યા પણ કાયમી બની ગઈ છે. બીબી તળાવથી ગોલ્ડન ટોકીઝ સુધીનો રોડ બનાવવાની માંગણી હજી સુધી પડતર છે. પી.ડી.પંડ્યા કોલેજ તથા આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે. વટવા વોર્ડમાં ટ્રાફિક અને પાર્કીંગની સમસ્યા પણ વકરી રહી છે.  વટવા વોર્ડમાં ટ્રાફિક અને પાર્કીંગની સમસ્યા પણ વકરી રહી છે. સૈયદવાડીથી વટવા ગામ તરફ જવાના રસ્તે દબાણના કારણે ટ્રાફીક સમસ્યા જાેવા મળે છે. વટવા ગામના તળાવને કરોડો રૂપિયાના ખર્ચથી ડેવલપ કરવામાં આવ્યું છે. પરંતુ તેની આસપાસ પણ દબાણ થઈ ગયા તથા તેમાં ગટરના ગંદા પાણી પણ આવી રહ્યા છે. વટવા ગામતળમાં પીવાના પાણીની અને ગટરના નેટવર્કની સમસ્યા છે. સૈયદવાડી વિસ્તારમાં પીવા લાયક પાણી, સ્ટ્રીટ લાઇટ અને રોડ રસ્તાની ફરીયાદનો પણ ઘણા સમયથી નિકાલ થયો નથી. નવા ફ્લેટ વિસ્તારમાં રોડ રડસ્તાનીમોટી સમસ્યા હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. હોવાની ફરીયાદ સ્થાનિક રહીશો કરી રહ્યાં છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.