Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ ખાનગીકરણનો આર્થિક ફાયદો મ્યુનિ. કોર્પોરેશનને થયો

અદાણી કંપનીના દબાણ બાદ એરપોર્ટ ઓથોરીટીએ મિલ્કતવેરાના બાકી રૂા.રર કરોડ ભરપાઈ કર્યાં

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું ખાનગીકરણ કરવામાં આવ્યુ છે તેમજ તેનું સંચાલન અદાણી કંપનીને સોંપવામાં આવ્યુ છે જેનો કેટલો ફાયદો સરકાર કે નાગરીકોને થશે ? તે ભાવિના ગર્ભમાં છે પરંતુ એરપોર્ટ ખાનગીકરણના કારણે મ્યુનિ. કોર્પોરેશનને આર્થિક ફાયદો જરૂર થયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના પાંચ હવાઈ મથક ખાનગી કંપનીને સોંપવામાં આવ્યા છે જેમાં અમદાવાદ એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા ગત્‌ ઓકટોબર માસમાં અદાણી કંપનીને એરપોર્ટનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો તે સમયે એરપોર્ટનો હવાલો લેતા પહેલા કંપનીએ તમામ સરકારી દેવા ભરપાઈ કરવા માટે એરપોર્ટ ઓથોરીટીને સુચના આપી હતી. એરપોર્ટ ઓથોરીટીના બાકી સરકારી દેવામાં મ્યુનિસિપલ મિલ્કતવેરાના રૂા.રર કરોડનો પણ સમાવેશ થતો હતો.

એરપોર્ટ ઓથોરીટી દ્વારા વર્ષોથી મિલ્કતવેરો ભરપાઈ કરવામાં આવ્યો ન હતો. પરંતુ ખાનગી કંપની સાથે થયેલા એમ.ઓ.યુ.ની શરત મુજબ બાકી પ્રોપર્ટી ટેક્ષ ભરપાઈ કરવો ફરજીયાત હતો. તેથી એરપોર્ટ ઓથોરીટી દ્વારા મ્યુનિ. કમિશ્નરનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમજ મિલ્કતવેરાની બાકી રકમમાં “રીબેટ” માટે રજુઆત કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશ્નરે “રીબેટ” આપવા કે ટેક્ષ ઘટાડો કરવા માટે સ્પષ્ટ મનાઈ કરી હતી જેના કારણે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા મિલ્કતવેરાની બાકી રકમ રૂા.રર કરોડ ભરપાઈ કરવામાં આવી હોવાનું મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે શહેરમાં કેન્દ્ર સરકાર હસ્તકની સેંકડો મિલ્કતો છે. જેમાં એરપોર્ટ, રેલ્વે, પોસ્ટલ વિભાગ, બી.એસ.એન.એલ વગેરેની મિલ્કતો મુખ્ય છે. કેન્દ્ર સરકાર હસ્તકની તમામ સંસ્થાઓ દ્વારા મિલ્કતવેરો ભરપાઈ કરવામાં આવતો નહતો તેથી મુંબઈ મનપા દ્વરા આ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પણ પાર્ટી તરીકે સામેલ થયુ હતું મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી રેલ્વે અને એરપોર્ટ ઓથોરીટીની નિયમિત આકારણી કરવામાં આવી રહી છે

તેમ છતાં આ સંસ્થાઓ દ્વારા પ્રોપર્ટી ટેક્ષ ભરવામાં આવતો નથી. અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણ બાદ એરપોર્ટ ઓથોરીટીને બાકી મિલકતવેરો ભરવાની ફરજ પડી છે જેનો સીધો આર્થિક મ્યુનિ. તિજાેરીને થયો છે. જયારે રેલ્વે ઓથોરીટી દ્વારા હજી સુધી પ્રોપર્ટી ટેક્ષ પેટે કોઈ જ રકમ ભરવામાં આવી નથી.

ભુતકાળમાં રાજય સરકારની મિલ્કતોના ટેક્ષ પણ નિયમિત ભરપાઈ થતા ન હતા પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પોલિસ વિભાગ સહીત રાજય સરકારના મોટાભાગના એકમો નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલા મિલ્કતવેરો ભરપાઈ કરે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.