Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશને વધુ એક વખત “લાકડાની તલવાર” ચલાવી

બી.યુ- ફાયર NOC માટે રેકોર્ડ વિના આડેધડ અપાતી નોટિસો ઈમ્પેક્ટ અંતર્ગત દફતરે થયેલ અરજીને ધ્યાનમાં લેવાતી નથી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં લગભગ ૦૬ વર્ષ સુધી ઈમ્પેકટ કાયદાનો અમલ થયા બાદ પણ ગેરકાયદે બાંધકામોની સંખ્યામાં ઘટાડો થયો નથી. ર૦૧૧માં નામદાર હાઈકોર્ટના આકરા વલણ બાદ બિલ્ડરો લોબીની નારાજગી દુર કરવા માટે સરકાર દ્વારા ર૦૧રમાં ઈમ્પેકટ કાયદાની જાહેરાત કરવામાં આવી હતી તે સમયે તેની મુદત માત્ર ૦૬ માસ માટે હતી પરંતુ રાજકીય લાભ માટે ગુડા એકટની મુદતમાં ઉતરોતર વધારો કરવામાં આવ્યો હતો તેમજ ૦૬ માસ માટેના કાયદાોન અમલ ૦૬ વર્ષ સુધી થયો હતો. જેનો લાભ બિલ્ડર લોબી અને મ્યુનિ. એસ્ટેટ અધિકારીઓએ ભરપુર લીધો હતો ઈમ્પેકટ અંતર્ગત ર લાખ ૪૩ હજાર અરજીઓ મળી હતી

જે પૈકી પ૦ ટકા અભરાઈએ મુકવામાં આવી હતી. ગેરકાયદેસર બાંધકામની માફક ફાયર એનઓસીમાં પણ વર્ષોથી લાલિયાવાડી ચાલી રહી છે. સુરત તક્ષશિલા હોનારત બાદ તંત્ર દ્વારા અનેક વખત કડક વલણ અપનાવવામાં આવ્યા હતા પરંતુ ગેરકાયદેસર બાંધકામની માફક ફાયર એનઓસીમાં પણ તંત્રની તલવાર ધાર વિનાની સાબિત થઈ છે તેથી વધુ એક વખત જાહેર હીતની અરજી બાદ હાઈકોર્ટને કડક આદેશ કરવાની ફરજ પડી છે. જેના પગલે મ્યુનિ. એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવી રહી છે

પરંતુ આ વખતે પણ તંત્ર “લાકડાની બુઠ્ઠી તલવાર” લઈને નીકળ્યુ છે.
નામદાર હાઈકોર્ટ સમક્ષ થયેલ જાહેરહિતની અરજી બાદ થયેલ હુકમનું પાલન કરવા માટે મ્યુનિ. એસ્ટેટ ખાતા દ્વારા બી.યુ. પરમીશન અને ફાયર એનઓસી માટે નોટિસો આપવામાં આવી રહી છે. જેમાં જે તે મિલ્કત ધારકને બી.યુ તેમજ ફાયર એનઓસીના પુરાવા રજુ કરવા માટે તાકીદ કરવામાં આવે છે

તેનો સીધો મતલબ એ થાય છે કે મ્યુનિ. એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગ પાસે કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી. અહીં આશ્ચર્યજનક બાબત એ છે કે ગુડા એક્ટ મુજબ નામંજુર થયેલ અરજીવાળી મિલ્કતને તોડી પાડવાની હતી પરંતુ તંત્ર દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો નથી તેવી જ રીતે તેના કોઈ રેકર્ડ પણ સાચવવામાં આવ્યા નથી જેના કારણે ૧પ મીટર કે તેથી વધુ ઉંચાઈવાળા રેસીડેન્શીયલ અને કોર્મશીયલ બીલ્ડીંગો તેમજ હોટેલ, રેસ્ટોરન્ટસ અને હોસ્પીટલને નોટિસો આપવામાં આવી રહી છે હોટેલ-હોસ્પીટલ માટે ઉંચાઈને ધ્યાનમાં લેવામાં આવતી નથી. તંત્ર દ્વારા આ નોટિસ માત્ર કોઈ બિલ્ડીંગની ઉંઈ કે વપરાશ હેતુને ધ્યાનમાં લઈને જ આપવામાં આવે છે.

હાઈરાઈઝ બિલ્ડીંગ અથવા હોટેલ-હોસ્પીટલ પાસે બી.યુ છે કે કેમ? ફાયર એનઓસી લેવામાં આવી છે કે કેમ ? તેની કોઈ જ નોંધ તંત્ર પાસે નથી, તેથી જ નોટિસમાં પુરાવા રજુ કરવા માટે સુચના આપવામાં આવી છે. મિલ્કત ધારક દ્વારા પુરાવા રજુ કરવામાં આવે તો નોટિસ દફતરે થશે અન્યથા ભુતકાળમાં જે મુજબ કાર્યવાહી કરી હતી તેવી કાર્યવાહી કરી હાઈકોર્ટમાં જવાબ આપવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બી.યુ. પરમીશન તેમજ ફાયર એનઓસી માટે ર૦૩૯ મિલ્કતોને નોટિસ આપવામાં આવી છે. જેમાં હોટેલ અને હોસ્પીટલોનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી મુજબ તંત્ર દ્વારા શહેરના પૂર્વઝોનમાં ૩૬પ મિલ્કતોને નોટિસ આપી છે જયારે ઉ.પશ્ચિમ ઝોનમાં ૩૦૯, દ.પ.ઝોનમાં રપ૯, ઉત્તર ઝોનમાં રર૯, દક્ષિણ ઝોનમાં ૩પ૭, મધ્યઝોનમાં ૧૪૦ તથા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૮૦ મિલ્કતોને નોટિસ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.