Western Times News

Gujarati News

દાહોદ પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ, પક્ષના નેતા તેમજ દંડકની વરણી

(મઝહર મકરાણી, દાહોદ) તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાહોદ જિલ્લા પંચાયત દાહોદ તાલુકા પંચાયત તથા દાહોદ નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જતા ત્રણેમાં ભાજપનો ભગવો લહેરાયો હતો તથા આજે દાહોદ નગરપાલિકા ના પ્રમુખ તથા ઉપપ્રમુખ તેમજ કારોબારીના ચેરમેન પક્ષના નેતા તથા દંડકની વરણી કરવામાં આવતા છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં મંડાતી અટકળોનો આજે અંત આવ્યો છે.

દાહોદ નગરપાલિકામાં કુલ ૯ વોર્ડના ૩૬ સભ્યો પૈકી ૩૧ સભ્યો ભાજપના અને પાંચ સભ્યો કોંગ્રેસના આવ્યા છે. દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષો તેમજ અન્ય પક્ષના ઉમેદવારોને દાહોદ વાસીઓએ જાકારો આપ્યો છે.

ત્યારે આજે નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પક્ષના નેતા કારોબારી ચેરમેન તેમજ દંડકની વરણી કરવા માટેની પ્રક્રિયા દાહોદ નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારી દાહોદની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે વોર્ડ નંબર ચારમાંથી ભાજપના મેન્ડેટ પર બિનહરીફ ચૂંટાયેલા પંચાલ રીનાબેન ધર્મેન્દ્રભાઈ તથા ઉપપ્રમુખપદે વોર્ડ નંબર ૫ માંથી ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા ચલાવાલા અબ્ધિ ભાઈ સમું ન ભાઈની વરણી કરવામા આવતા તેમના સમર્થકો માં ખુશીનો માહોલ છવાયો હતો.

સાથે સાથે નગરપાલિકાના કારોબારી ચેરમેન પદે વોર્ડ નંબર એકમાંથી ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા રાજગોર લક્ષ્મણભાઈ લાલાભાઇ પક્ષના નેતા પદે વોર્ડ નંબર બે માંથી ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા સહેતાઈ રાજેશભાઈ આસનદાસ તથા દંડક પદે વોર્ડ નંબર ૭ માંથી ભાજપના મેન્ડેટ પર ચૂંટાઈને આવેલ ભડંગ શ્રદ્ધાબેન ચિરાગભાઈની વરણી કરવામાં આવતા છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં મંડાતી પ્રમુખ ઉપપ્રમુખ કોણ ? ની અટકળોનો આજે અંત આવ્યો છે.

પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઇ ગયા બાદ દાહોદ પાલિકા ચોકમાં ભાજપના કાર્યકરો તેમજ તેઓના સમર્થકોએ પ્રમુખ ઉપપ્રમુખને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.