Western Times News

Gujarati News

કૃષ્ણજન્મોત્સવમાં ર૦ રાઉન્ડ ગોળીબાર

Files Photo

અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જેતલપુર ગામમાં મોડી રાત્રે બનેલી ચોંકાવનારી ઘટના

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ધામધુમથી કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે લોકો મોડી રાત સુધી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરતા જાવા મળ્યા હતા શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં  ધ્યાનમાં રાખી પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

તેમ છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં કૃષ્ણજન્મોત્સવ દરમિયાન જૂથ અથડામણ મારામારી સહિતના બનાવો નોંધાયા છે આ પરિસ્પથિતિમાં  શહેરના નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જેતલપુર ગામમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં કૃષ્ણજન્મોત્સવ દરમિયાન યોજાયેલા ગરબામાં ધસી આવેલા ચાર શખ્સોએ ર૦ રાઉન્ડ ગોળીબાર કરતા ભારે નાસભાગ મચી ગઈ હતી.

ગોળીબારનો વિડીયો વાયરલ થતાં પોલીસે બીજા દિવસે ફરિયાદ નોંધી

નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા જેતલપુર ગામમાં શનિવારે રાત્રે કૃષ્ણજન્મોત્સવ દરમિયાન ગજેન્દ્ર નામના શખ્સે અને તેના સાગરિતોએ બાર બોરની બંદૂકમાંથી હવામાં ર૦ રાઉન્ડ ગોળીબારના ફાયર કર્યાં હતા એક પછી એક ગોળીબારના રાઉન્ડ ફાયર થતાં નાગરિકોમાં ફફડાટ ફેલાયો હતો કૃષ્ણજન્મોત્સવની ઉજવણીમાં નાસભાગ મચી ગઈ હતી ગોળીબારની આ ઘટના કેટલાક હિંમતબાજ યુવકોએ પોતાના ફોનમાં વિડીયો રેકોર્ડીંગ કરી લીધી હતી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો હતો જેના પરિણામે પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરાવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટનાના બીજા દિવસે સાંજે એટલે કે રવિવારે સાંજે ફરિયાદ નોંધવામાં આવી છે આ અંગે પણ પોલીસ અધિકારીઓ તપાસ કરી રહયા છે.

ગરબાના આયોજકે આ શખ્સોને ગોળીબાર કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગોળીબાર ચાલુ રાખતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો નારોલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓ વિરૂધ્ધ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ આરોપી સામે અગાઉ પ્રોહીબીશનના ગુનાઓ નોંધાયેલા છે તેથી તે બુટલેગર હોવાનું મનાઈ રહયું છે હાલમાં તમામ આરોપીઓ ફરાર છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં શનિવારે રાત્રે ભારે ધામધુમથી કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શહેરના તમામ ધાર્મિક સ્થાનોમાં કૃષ્ણજન્મોત્સવ યોજાયો હતો અને શ્રધ્ધાળુઓએ મોડી રાત સુધી તેની ઉજવણી કરી હતી અમદાવાદ શહેરમાં ઠેરઠેર મટકી ફોડ અને ગરબાના કાર્યકૃમો પણ યોજાયા હતા ખાસ કરીને શહેરના છેવાડાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.

શહેરના નારોલ પોલીસ સ્ટેશન હેઠળના અને અમદાવાદને અડીને આવેલા જેતલપુર ગામમાં પણ કૃષ્ણજન્મોત્સવનું ધામધુમથી આયોજન કરાયું હતું ગામના મોટાભાગના લોકો કૃષ્ણજન્મોત્સવમાં મગ્ન હતા કૃષ્ણજન્મોત્સવ થયા બાદ ગામના રેવતીનગર ચોકમાં ગરબા યોજવામાં આવ્યા હતાં આ ગરબામાં ગામની મોટાભાગની મહિલાઓ, યુવકો અને શ્રધ્ધાળુઓ જાડાયા હતાં લોકો મન મુકીને ગરબે ઘુમતા હતા ત્યારે અચાનક જ ગજેન્દ્ર રાઠોડ નામનો શખ્સ તેના સાગરિતો સાથે ગરબાના સ્થળે આવી પહોંચ્યો હતો.

આરોપી ગજેન્દ્ર વિરૂધ્ધ પ્રોહીબીશનના અનેક
ગુનાઓ દાખલ

જેતલપુર ગામમાં કૃષ્ણજન્મોત્સવ દરમિયાન ગરબામાં ગજેન્દ્ર નામના શખ્સે અને તેના સાગરિતોએ હવામાં ર૦ રાઉન્ડ ગોળીબાર કરતા જ સમગ્ર ગામમાં અફડાતફડી મચી ગઈ હતી ચોંકાવનારી બાબત એ છે કે આરોપી ગજેન્દ્ર વિરૂધ્ધ અન્ય પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનના ગુનાઓ નોંધાયેલા છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીનો ભુતકાળ ગુનાહિત છે.

ગામના નાગરિકો ગરબે ઘુમતા હતા ત્યારે ધસી આવેલા ગજેન્દ્ર રાઠોડના હાથમાં ૧ર બોરની બંદૂક જાવા મળી હતી જેના પગલે નાગરિકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી નાગરિકો કશું સમજે તે પહેલાં જ ગજેન્દ્ર રાઠોડ તથા તેના સાગરિતોએ એક પછી એક હવામાં ર૦ રાઉન્ડ ફાયર કર્યાં હતાં ગજેન્દ્ર રાઠોડ અને તેના સાગરિતો હાથમાં બંદૂક લઈને આવી પહોંચ્યા ત્યારે ગામના આગેવાન મહેશભાઈ ઠાકોરે તેમને અટકાવ્યા હતા અને ગોળીબાર નહી કરવા માટે વિનંતી કરી હતી

પરંતુ ગજેન્દ્ર અને તેના સાગરિતોએ તેમની વિનંતીને અવગણીને હવામાં ગોળીબાર કરવાનો શરૂ કરતા જ ગરબે ઘુમતા નાગરિકો ગભરાઈ ગયા હતા અને નાસભાગ મચી ગઈ હતી. ચાલુ ગરબામાં જ ગજેન્દ્ર અને તેના સાગરિતોએ અંધાધૂંધ ગોળીબાર કરતા સમગ્ર ગામમાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટના બાદ ગોળીબાર કરી ગજેન્દ્ર અને તેના સાગરિતો જાણે પોલીસનો કોઈ ડર ના હોય તે રીતે સ્થળ છોડીને જતા રહયા હતાં બીજીબાજુ સમગ્ર ગામમાં આ ઘટનાથી સોંપો પડી ગયો હતો.


ગામના નાગરિકોમાં ભયની સાથે રોષ પણ જાવા મળતો હતો. કૃષ્ણજન્મોત્સવ જેવા પવિત્ર તહેવારમાં ગોળીબારની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી હતી આ સમગ્ર ઘટના કેટલાક સ્થાનિક નાગરિકોએ પોતાના ફોનમાં લાઈવ શુટીંગ કરતા જ તેનો વિડીયો વાયરલ થઈ ગયો હતો.

કૃષ્ણજન્મોત્સવ દરમિયાન ગરબા મહોત્સવમાં ખુલ્લેઆમ ફાયરીંગની ઘટનાથી પોલીસતંત્ર પોલીસતંત્રમાં પણ સનસનાટી મચી ગઈ છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતર્ક બની ગયા હતાં આ ઘટનાની જાણ થતાં જ બીજા દિવસે પોલીસ અધિકારીઓ ગામમાં પહોંચી ગયા હોવાનું જાણવા મળી રહયું છે અને સ્થળ પર હાજર નાગરિકોના નિવેદન લઈ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. બીજીબાજુ ગોળીબાર કર્યાં બાદ ગજેન્દ્ર અને તેના સાગરિતો ફરાર થઈ ગયા છે જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.