Western Times News

Gujarati News

કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવી હતી

હોળીની અંદર કામ,ક્રોધાદિ દોષોને સળગાવીએ,તો જ ખરા અર્થમાં હોળીની ઉજવણી કરી કહેવાશે.કોરોના વાયરસ સામેની હતાશાને હોમી દઈએ તો જ હોળી ઉજવી કહેવાશે. – સાધુ પ્રેમવત્સલદાસજી

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મંહત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા.ર૮ માર્ચને શનિવારને રોજ હોળી હોવાથી સવારે ૭ – ૪૫ વાગ્યાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને હારડાં -ધાણીના હારના વિશિષ્ટ શણગાર ઘરાવામાં આવ્યા હતા અને ભગવાનને હિંડોળામાં બિરાજમાન કરીને ધાણીથી ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે હોળી પર્વ નિમિત્તે ધૂન – કીર્તન સાથે ઓચ્છવ કરવામાં આવ્યા હતા.

કોરોના વાયરસની આપત્તિના કારણે આ સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન ઉજવવામાં આવ્યો હતો.જેનું લાઈવ પ્રસારણ સ્વામિનારાયણ કુમકુમ યુટુયબ ચેનલ ઉપર કરવામાં આવ્યાં હતું.

હોળી અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ફાગણ, વસંત અને હોળી આ ત્રિકોણીયો સંગમ છે. આ ઉત્સવ ફાગણ માસમાં આવતો હોવાથી તેને “ફાલ્ગુનિક’ પણ કહે છે. હોલિકા ઉત્સવને તહેવારોનો રાજા કહેવાય છે. જુદા – જુદા રાજયમાં આ હોળીના ઉત્સવને જુદા – જુદા નામથી ઓળખવામાં આવે છે અને વિવિધતા સભર રીતે ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્ર અને કોંકણમાં હોળીને ‘શિમગો’ કહે છે. દક્ષિણ ભારતમાં “કામદહન’ નામથી હોળી ઉજવાય છે. હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી એને ફુલદોલત્સવ, હોલોત્સવ,પોંખોત્સવ
કે રંગોત્સવ પણ કહે છે.

ટૂંકમાં હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનનને રંગીન બનાવતો, વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો,સત્યનિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહ્ય પ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે.

આ હોળીના ઉત્સવ પ્રસંગે આપણે હોળી પ્રગટાવવાની સાથે સાથે સંસ્કારની જ્યોત પણ પ્રગટાવવાની આજના સમય પ્રમાણે ખાસ જરૂર ઉભી થઈ છે. અને હોળીની અંદર આપણે લાકડાં અને છાણાં નાંખીએ છીએ તેની સાથે-સાથે આપણે આપણા કામ,ક્રોધ આદિ દોષો પણ સળગાવાની જરુર છે. તે દોષોને તિલાંજલિ આપીશું તો જ આપણને શાંતિ પ્રાપ્ત થશે. અને તો જ આપણે ખરા અર્થમાં હોળીની ઉજવણી કરી કહેવાશે.

હાલ, કોરોના વાયરસની મહાઆપત્તિ આવી છે તેના કારણે માનવીનું મન હતાશ થઈ ગયું છે,ત્યારે આપણ સૌ કોઈએ કોરોના વાયરસની સામે હિંમત રાખીને એક સાથે લડવું જોઈએ, અને હતાશાને હોળીમાં હોમી દેવી જોઈએ.

કોરોના વાયરસથી બચવા માટે માસ્ક અવશ્ય પહેરવું જોઈએ,સોશિયલ ડીસટન્સ જાળવવું જોઈએ અને વેક્સીન અવશ્ય લેવી જોઈએ.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.